New Delhiતા.27
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ વિરામની એક બાદ એક મોરચે શાંત થતા જતા તોપના નાળચા વચ્ચે હવે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીને ડિપ્લોમેટીક મોરચે મજબૂત થવા તૈયારી કરી છે અને તેના ભાગરૂપે પુટીન બહુ જલ્દી ભારતની મુલાકાત લેશે.
રશિયાના વિદેશમંત્રી સર્ગઈ લાવરોયએ રશિયન પ્રમુખ પુટીનની મુલાકાતને નિશ્ચિત હોવાનું જણાવીને ઉમેર્યુ કે ટુંક સમયમાં જ બન્ને દેશો વચ્ચે આ અંગે તારીખ નિશ્ચિત થઈ જશે.
આ અંગે ડિપ્લોમેટીક ચેનલ મારફત વાતચીત ચાલુ છે. શ્રી પુટીને ભારત આવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું આમંત્રણ સ્વીકારી લીધુ છે. રશિયન વિદેશમંત્રીએ કહ્યું કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2024માં તેઓ ફરી વડાપ્રધાન પદે આવ્યા તે પછી રશિયાની મુલાકાત લઈ ચૂકયા છે. હવે અમારો ‘વારો’ છે.
શ્રી મોદી અને શ્રી પુટીન બન્ને સતત સંપર્કમાં રહે છે અને બન્ને વચ્ચે દર બે મહિને એક-બે વખત ફોન પર વાતચીત થાય છે તથા બન્ને નેતાઓ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટમાં પણ સાઈડ બેઠક કરતા રહે છે. શ્રી મોદી જુલાઈ અને ઓકટોબરમાં એમ બે વખત ગત વર્ષે રશિયાની મુલાકાતે ગયા હતા તથા રશિયા-યુક્રેન બન્નેની મુલાકાત લેનાર શ્રી મોદી એકમાત્ર વૈશ્વિક નેતા છે તથા હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળી આવ્યા હતા.
યુક્રેન યુદ્ધ સહિતના મોરચે ભારત સતત તટસ્થ વલણ અપનાવી રહ્યું છે અને ખાસ કરીને હાલમાં જે રીતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ યુદ્ધ છેડયુ છે અને ભારતમાં પણ તેમાં બાકાત રાખ્યુ નથી. તેમાં રશિયન પ્રમુખની આ ભારત મુલાકાત મહત્વની બની રહેશે.
ટ્રમ્પ ઈચ્છે છે કે, ભારત ક્રુડતેલથી સંરક્ષણ ખરીદીમાં રશિયાના સ્થાને અમેરિકાને અગ્રતા આપે તેથી જ હવે ભારતની વિદેશ નીતિની કસોટી છે.