ગેરકાયદે બાંધકામ મનપા તોડી પાડે નહીં આવે આથી કાયમી મનાઇ હુકમની માંગ સાથે કોર્ટમાં દાદ માંગવામાં આવી હતી
Rajkot,તા.27
રાજકોટમાં શાસ્ત્રીનગરમાં આવેલ રપ ફુટના રોડ ઉપર બેલાનું ચણતર કરી રોડ બંધ કરી દેવાયા બાબતે દબાણ દૂર કરવા રાજકોટ મહાનગરપાલીકા સામેનો દાવો સિવિલ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે.
આ કેસની હકીકત મુજબ, સંજયભાઈ હમીરભાઈ મૈયડ અને તેના ભાઈ પંકજભાઈ તથા પિતા હમીરભાઈએ રૈયાના રે.સ.નં. હેઠળના શાસ્ત્રીનગરમાં વર્ષ ૨૦૧૮માં રજિસ્ટર દસ્તાવેજથી અજય બટુક ગોહેલ પાસેથી પ્લોટ ખરીદ કર્યા બાદ તેના ઉપરનું બાંધકામ મહાનગરપાલિકા પાસેથી પરવાનગી લઈ દૂર કર્યું હતું. ત્યાર બાદ આ મિલકતની પશ્ચિમે આવેલ કંપાઉન્ડ વોલ જે વર્ષો જુની હતી, તે પડી જતાં ફરીથી રિસ્ટોર કરેલ હતી. દરમિયાન તેમને મહાનગરપાલિકા તરફથી નોટિસ ઉપરાંત બાંધકામ ગેરકાયદે હોવાની નોટિસ આપવામાં આવી હતી. આથી આ કંપાઉન્ડ વોલ તોડવામાં ન આવે તેવા મનાઈ હુકમની માંગણી કરતો દાવો અદાલત સમક્ષ દાખલ કર્યો હતો. બંને પક્ષકારના પુરાવા બાદ અદાલતે વાદીનો આ દાવો રદ કરતા ઠરાવેલ છે કે, અને મહાનગરપાલીકાને આવી નોટિસ ઇસ્યુ કરી વાદીએ કરેલ બાંધકામમાં દખલગીરી કરવા અધિકાર નથી, પરંતુ પડેલ પુરાવા ઉપરથી સ્પષ્ટપણે જણાઇ આવે છે કે દિવાલની આડમાં આ વાદીએ નવું બાંધકામ કોઈ પણ જાતની મંજુરી મેળવ્યા સિવાય કરેલ છે, આવા ગેરકાયદે બાંધકામ તોડી પાડવા અને દૂર કરવા કાયદાએ ઓથોરિટીને સત્તા આપેલ છે. અદાલતે ચુકાદામાં ટકોર કરતાં જણાવેલૂ કે, આવા દબાણો દૂર કરવા જ જોઈએ, તેમ ઠરાવી સિવિલ કોર્ટે મહાનગરપાલિકા સામે મનાઈહુકમ માગતો દાવો રદ કર્યો છે. આ કામમાં પ્રતિવાદી વિદ્વાન ધારાશાસ્ત્રી અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી, ભાર્ગવ એ.પાનસુરીયા અને આકાંક્ષા એચ. રાજદેવ રોકાયા હતા.