Gandhinagar,તા.29
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના અંતિમ દિવસે ગઈકાલે કેગ (કમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ)ને રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો તેમાં આરોગ્ય સેવાથી માંડીને પેન્શન જેવા ક્ષેત્રોમાં ખામી તથા ગેરરીતીનો ખુલાસો કરવામાં આવ્યો હતો. કેગ દ્વારા સરકારની ઝાટકણી કાઢવામાં આવી હતી.
રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે 2016 થી 2022 માં 9983 મેડીકલ ઓફીસરોની ભરતી છતા રાજયમાં ડોકટરો તથા પેરા મેડીકલ સ્ટાફની 23 ટકા અછત-જગ્યા ખાલી છે. મેડીકલ કોલેજ હોસ્પીટલોમાં સુપર સ્પેશ્યાલીસ્ટ તબીબોની 28 ટકા, જીલ્લા હોસ્પીટલોમાં 36 ટકા તથા પેટા જીલ્લા હોસ્પીટલમાં 51 ટકા જગ્યા ખાલી છે.
રાજયનાં 23 માંથી 22 જીલ્લામાં ડોકટરો તથા પેરા મેડીકલ સ્ટાફની 25 ટકા કરતા વધુ જગ્યા ખાલી છે. દેવભુમિ દ્વારકા કચ્છ, અમરેલી, તથા નર્મદા જીલ્લામાં હાલત વધુ ખરાબ હોય તેમા 40 ટકાથી વધુ જગ્યા ખાલી છે. આ સિવાય મેડીકલ અધ્યાપકોની અછત વિશે પણ લાલબતી ધરવામાં આવી છે.
સરકારી મેડીકલ કોલેજોમાં 49 ટકા તથા જીએમઈઆરએસ મેડીકલ કોલેજોમાં ફેકલ્ટીની 68 ટકા જગ્યા ખાલી છે. પ્રોફેસર કક્ષાએ અનુક્રમે 59 ટકા તથા 78 ટકા જગ્યા ખાલી છે. 19 જીલ્લા હોસ્પીટલોમાં 13 માં ઈમરજન્સી સેવા પણ આંશીક સ્તરે જ ઉપલબ્ધ છે. પાંચમાંથી ત્રણ હોસ્પીટલોમાં પિડીયાટ્રીકનાં અલગ ઓપરેશન થીયેટર નવી 19 માંથી ત્રણમાં બ્લડ બેંકની સુવિધા નથી.
રિપોર્ટમાં એમ કહેવાયું છે કે દવાની ખરીદીની જવાબદારી સંભાળતા ગુજરાત મેડીકલ સર્વીસ કોર્પોરેશન દ્વારા 10 થી 15 ટકા આવશ્યક દવાના રેટ કોન્ટ્રાકટ ફાઈનલ કરવામાં ઢીલ કરવામાં આવી હતી. દવાની ગુણવતાનાં ટેસ્ટીંગ રીપોર્ટ પેન્ડીંગ હોવા વિશે પણ ટીકા કરાઈ હતી.
કેગ દ્વારા નેશનલ સોશ્યલ આસીસ્ટન્સ પ્રોગ્રામ હેઠળની ત્રણેય પેન્શન સ્કીમમાં ડુપ્લીકેટ પેન્શન ખાતાનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. 1072 પેન્શન લાભાર્થી અવસાન પામ્યા હોય અથવા ગરીબી રેખાથી ઉપર આવી ગયા હોવાથી તેઓ પેન્શન મેળવી રહ્યા છે.
આ સિવાય 0 થી 6 વર્ષની વય જુથના 77.77 લાખ પાત્રતા ધરાવતા બાળકોમાંથી માત્ર બાવન ટકા જ આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. રાજયમાં સ્થાનિક સતામંડળોની બીન કાર્યક્ષમતાને કારણે વિકાસ કામોનાં આયોજન, અમલ તથા દેખરેખમાં ખામીનો પણ ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.

