Jamnagar તા.29
જામનગરમાં ચાંદી બજારમાં લાલબાગ સામે મોટા ઉપાશ્રયમાં બિરાજતા ભક્તિસુરી સમુદાયના પુણ્યપભાશ્રીજી મહારાજના શિષ્યા પ્રશમધર્માશ્રીજી મહારાજ સકળ સંઘની ઉપસ્થિતિમાં તા.28ના શુક્રવારે બપોરે બે વાગ્યે અરિહંત સ્મરણ કરતા કરતા કાળધર્મ પામ્યાના સમાચાર મળતાં વિશા શ્રીમાળી તપગચ્છ જૈન સંથના મોટા ઉપાશ્રય ખાતે સાંજે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચ્યા હતા. આજે સવારે તેઓની પાલખી યાત્રા યોજાઈ હતી.
માત્ર 23 વર્ષની વયે સંસાર ત્યાગ કરીને સંયમના માર્ગે પ્રસ્થાન કરનારા પ્રશમધર્માશ્રીજી મહરાજ 65 વર્ષના હતા અને 45 વર્ષનું સંન્યસ્થ જીવન ગાળ્યું હતું. જૈન સંઘ દ્વારા તેઓની પાલખી યાત્રા આજે તા.29ની સવારે 9 વાગ્યે મોટા ઉપાશ્રયથી નિકળી હતી. આ પાલખી યાત્રા ઉપાશ્રયથી પ્રસ્થાન પામીને ચાંદી બજારના ચાર ચોકના દેરાસરની પરિક્રમા કરીને સજુબા સ્કુલ, ગ્રેઈન માર્કેટ, નાગનાથ ગેઈટ થઈને જુના આદર્શ સ્મશાન ખાતે પહોંચી હતી.
જૈન પરંપરા મુજબની અંતિમ વિધિ કરવામાં આવી હતી. પ્રશમધર્માશ્રીજી કાળધર્મ પામ્યાના સમાચાર મળતા જ જૈન સમાજના આગેવાનો અને શ્રધ્ધાળુઓ અંતિમ દર્શન માટે પહોંચ્યા હતાં. ગઇ રાત સુધી આ પ્રવાહ ચાલુ રહ્યો હતો. આજે નિકળેલી પાલખી યાત્રામાં પણ મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતાં.