Rajkot, તા. 29
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટે.કમીટીની આજે મળેલી મીટીંગમાં ચેરમેન જયમીન ઠાકરે 39 પૈકી 37 દરખાસ્ત મંજૂર કરી છે. સર્વેશ્વર ચોકના વોંકળાના કામમાં નીકળેલા નવા 1.83 કરોડના ખર્ચને માત્ર ઉમેરીને મંજૂર કરવાને બદલે શોર્ટ ટેન્ડર નોટીસથી નવેસરથી ભાવ મંગાવવા આજે આદેશ અપાયો છે. આમ છતાં વોંકળાનું હવે યાજ્ઞિક રોડને ક્રોસ કરનારૂ કામ ચોમાસા પૂર્વે પૂર્ણ થશે તેવું પણ પદાધિકારીએ જણાવ્યું છે.
વોર્ડ નં.7માં સર્વેશ્વર ચોકથી યાજ્ઞિક રોડને જોડતા હયાત વોંકળાને ડાયવર્ટ કરી નવું બોકસ કલ્વર્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તેમાં નવું કામ ઉમેરવામાં આવતા મુળ અંદાજમાં 40 ટકાનો વધારો થઇ ગયો છે જે મંજૂર કરવા ઇજનેરોએ દરખાસ્ત મોકલી હતી. પૂર્વ અધિકારીઓેએ પ્રારંભિક એસ્ટીમેટ અધુરૂ મુકયુ હોય, હવે બાકીની પ્રક્રિયા નવેસરથી કરવામાં આવશે છતાં વરસાદ પહેલા આ કામ પુરૂ થાય તેવા તમામ પ્રયાસો કરાઇ રહ્યા છે.
આજની મીટીંગમાં પપ.64 કરોડના કામ મંજૂર કરાયા હતા તો પે એન્ડ પાર્કમાં રી-ટેન્ડર હેઠળ 9 સાઇટના ઉંચા ભાવ આવતા 1.14 કરોડની આવક થઇ છે. ભાદરની લાઇન માટે નવો કરાર કરવા મંજૂરી અપાઇ છે તો સરકાર પાસે જુદા જુદા કામ માટે ર6.પ9 કરોડની ગ્રાન્ટ માંગવા ઠરાવ કરાયો છે.
આ દરખાસ્ત અંગે માહિતી આપતા ચેરમેને કહ્યું હતું કે વોર્ડ નં.7ના સર્વેશ્વર ચોકમાં નવો વોંકળો બનાવવા અગાઉ 4.91 કરોડનો ખર્ચ મંજૂર કરી એમ્પલ કન્સ. કંપની સાથે કરાર કરાતા તા.14-11-24થી કામ ચાલી રહ્યું છે. 600 મીમીની ડ્રેનેજ પાઇપલાઇન મીડલમાં આવતી હોય તે ફેરવવાની થાય છે.
હયાત વોંકળાનો સ્લેબ કોમ્પ્લેક્ષ સાથે જોડાયેલો હોય, 300 થી 750 મીમીના કોર કટીંગ કરાયા છે. સરદારનગર મેઇન રોડથી આવતી ડ્રેનેજ લાઇન અને વોંકળા વચ્ચેની લાઇન શીફટ કરવાના કારણે સરદારનગરથી આવતા વોંકળાનો હયાત જુનો સ્લેબ તોડીને ડ્રેનેજ લાઇન કરવાની થાય છે.
આ સ્લેબ, વીંગ વોલ પણ ડેમેજ થયેલી છે. બોકસ કલ્વર્ટની સાથે ખુલ્લી થયેલી જગ્યામાં પુરાણ, રીટેઇનીંગ વોલના કામ પણ કરવાના છે. કલ્વર્ટના એલાઇમેન્ટમાં ફેરફાર કરાતા લંબાઇ વધશે. આથી આ તમામ નવા કામનો ખર્ચ 1.83 કરોડ વધશે તેવા અંદાજ સાથે તંત્રએ કુલ 6.74 કરોડના ખર્ચ મંજૂર કરવા માંગણી મુકી હતી.પરંતુ મુળ મંજૂરી કરતા 40 ટકા જેટલો ઉંચો ખર્ચ નીકળ્યો હોય, આટલો તફાવત જુના ટેન્ડર સાથે મંજૂર કરી ન શકાય. આથી કામ પણ વિલંબમાં ન પડે તે માટે સપ્તાહની શોર્ટ ટેન્ડર નોટીસ પ્રસિધ્ધ કરવા સૂચના આપવામાં આવી છે.
નવા રીંગ રોડ પર જામનગર હાઇવેથી સ્માર્ટ સીટી તરફનો 2.1 કિ.મી.નો હાલનો રોડ ફોરટ્રેક બનાવવાના કામ માટે 30.70 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. તો વોર્ડ નં.11માં પાળ રોડ પર વગડ ચોક પાસેના સ્લેબ કલ્વર્ટને વાઇડનીંગ કરવા પણ એક કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. વોર્ડ નં.11માં વોર્ડ ઓફિસ અને આરોગ્ય કેન્દ્ર માટે સાડા છ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
વોર્ડ નં.9માં સરકારી કર્મચારી સોસાયટીથી ગંગોત્રી પાર્ક, શિલ્પનના ખુણા સુધી સ્ટોર્મ વોટર પાઇપલાઇન નાખવા 40 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. વોર્ડ નં.12માં મવડી મેઇન રોડથી આર.કે.એમ્પાયર બિલ્ડીંગ સુધી પણ વરસાદી પાણી નિકાલ માટે પાઇપ ગટર નાંખવા 95.90 લાખ મંજૂર કરાયા છે. વોર્ડ નં.8માં પંચવટી સોસાયટી મેઇન રોડ પર અતિથિ ચોકથી જલારામ હોસ્પિટલ થઇ જનકલ્યાણ સોસા.ના નાલા સુધી વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ ગટર નાખવા 97.89 લાખ મંજૂર કરાયા છે.
વોર્ડ નં.5માં રણછોડનગર સોસાયટીમાં કે.જે.વેકરીયા મેઇન રોડ પર ફુટપાથ, આડા પેડક રોડ પર સ્વીમીંગ પુલ રીનોવેશન સહિત 92.77 લાખના ખર્ચ મંજૂર કરાયા છે. વોર્ડ નં.1માં આંગણવાડીઓના રીનોવેશન માટે 21 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે.
વોર્ડ નં.5માં આડા પેડક રોડ પર આવેલા વિવેકાનંદ સ્વીમીંગ પુલમાં પણ રીનોવેશન કરવામાં આવશે. આ માટે 80.54 લાખનો ખર્ચ મંજુર કરાયો છે.
રેસકોર્સના ક્રિકેટ મેદાન અંદર ફલડ લાઇટને એલઇડી લાઇટમાં મેન્ટેનન્સ સાથે રીપ્લેસ કરવા 1.54 કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.
મહાપાલિકાની મિલ્કત વેરા તથા પાણી વેરાની બાકી નીકળતી રકમ બાકીદારો હપ્તાથી ભરી શકે છે. આ સ્કીમ બજેટમાં સામેલ કરાઇ છે. તેની કવાર્ટરલી હપ્તા સહિતની વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ મીટીંગમાં મંજુર કરવામાં આવી છે. આરોગ્ય સહાયની દરખાસ્તો પણ મીટીંગમાં મંજુર કરાઇ હતી.
મનપાની લીગલ શાખામાં ઉભરતી પ્રતિભાને તક આપવા લો યુનિ. સાથે એમઓયુ કરતા પૂર્વે અન્ય કોર્પો. પાસેથી વિગતો લેવાશે : સ્ટે.ચેરમેન
મહાપાલિકાની લીગલ શાખામાં મોંઘાદાટ ‘લીગલ ઇન્ટર્ન’ની ઇન્ટરશીપ આધારીત ત્રણ જગ્યા ઉભી કરવાની દરખાસ્ત વધુ અભ્યાસ માટે આજે પેન્ડીંગ રાખી દેવામાં આવી છે. આ લો સ્નાતક વિદ્યાર્થીને મહિને એક લાખનું સ્ટાઇપેન્ડ ચૂકવવા દરખાસ્ત આવી હતી!
મનપાની લીગલ શાખામાં આ ત્રણ જગ્યા ઉપસ્થિત કરવા અંગે હવે વિચારણાના અંતે નિર્ણય લેવાશે તેમ જણાવતા ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, કાયદાકીય શિક્ષણને પ્રોત્સાહન અને ઉગતી પ્રતિભાને પ્રોત્સાહન આપવા લીગલ ઇન્ટર્ન ત્રણ જગ્યા ઉભી કરવા કાર્યવાહી થઇ છે. તેનાથી કોર્પો. અને ઇન્ટર્ન બંનેને લાભ થાય તેમ છે. આ દરેક ઇન્ટર્નને માસિક એક લાખ લેખે વર્ષે 36 લાખ સ્ટાઇપેન્ડ ચૂકવવાનું થાય છે. જે માટે હાલના બજેટમાં અને આગામી બજેટમાં ઇન્ટર્નશીપ સ્ટાઇપેન્ડ મંજૂર કરીને જોગવાઇ પણ છે.
પરંતુ આટલો મોટો ખર્ચ કરતા પહેલા અન્ય કોર્પો. પાસેથી માહિતી મંગાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત નેશનલ લો યુનિ.માંથી કોર્પો.ના કોર્ટ કેસમાં મદદરૂપ થઇ શકે તે માટે ઇન્ટર્ન લેવા માટે એમઓયુ કરવા કાર્યવાહી કરીને કમિશ્નરને અધિકૃત કરવાના છે. ઘણી વખત કોર્ટ કેસમાં મેરીટ ન હોવા છતાં યોગ્ય રજુઆત કરી શકાતી નથી અને તેની અસર કોર્ટના ચુકાદા પર પડે છે જેથી પારાવાઇઝ જુદી જુદી શાખાને રીમાકર્સ તૈયાર કરાવવામાં મદદ કરવાનો હેતુ હોવાનું કમિશ્નરે દરખાસ્તમાં જણાવ્યું છે.
મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા તા. 13 થી 17 એપ્રિલ સુધી દક્ષિણ કોરીયાના પ્રવાસમાં જવાના છે. વર્લ્ડ લોકલ ગવર્નમેન્ટ કલાયમેટ સમીટમાં ભાગ લેવા તેઓ જવાના હોય સરકારના નિયમ મુજબ આજે સ્ટે.કમીટીએ દરખાસ્ત મંજૂર કરીને બહાલી માટે સરકારને મોકલી છે તો ચેરમેન જયમીન ઠાકરને પણ આમંત્રણ હોવા છતાં તેઓએ વ્યવહારૂ અભિગમ અપનાવીને વિદેશ જવાનું ટાળ્યું છે.
મનપા અને ઇકલી સાઉથ એશીયા વચ્ચે શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા એમઓયુ, જાહેર પરીવહન, સફાઇ, એર કવોલીટી, વોટર અને ડ્રેનેજ વિષય પર કામ કરવામાં આવે છે. કલાયમેટ માટે પણ રેસીલીયન્ટ એકશન પ્લાન બનાવ્યો છે. વર્લ્ડ લોકલ ગવર્નમેન્ટ કલાયમેટ સમીટનું આયોજન તા.13થી 17 એપ્રિલ સુધી રીપબ્લીક ઓફ સાઉથ કોરીયાના ગોયાંગ સ્પેશ્યલ સીટી ખાતે કરાયું છે.
જેમાં મેયર ભાગ લેવાના છે. ઇકલીના સદસ્ય તરીકે સ્ટે.ચેરમેનને પણ આમંત્રણ હતું પરંતુ 10 દિવસ માટે એક સાથે બે-બે મુખ્ય પદાધિકારી બહાર રહે તેવું ન થાય તે માટે પ્રવાસમાં જવાનું ચેરમેને માંડી વાળ્યું છે. પાર્ટી પ્રમુખ સાથે આ અંગે ચર્ચા કર્યા બાદ પદાધિકારીએ આ નિર્ણય લીધો છે અને પ્રમુખે પણ તે નિર્ણય યોગ્ય હોવાનું કહ્યું હતું.