Israel ,તા.૨૯
નવેમ્બરમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ થયા બાદ, ઇઝરાયલે ફરીથી લેબનોનની રાજધાની બૈરુત પર મોટો હુમલો કર્યો છે. બેરૂતમાં એક મોટો વિસ્ફોટ સંભળાયો અને ઇઝરાયેલી દળોએ જે વિસ્તારમાં હુમલો કર્યો હતો ત્યાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા. દરમિયાન, ઇઝરાયલી સેનાએ દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલો કરીને હિઝબુલ્લાહ આતંકવાદીઓના મુખ્યાલયને ઉડાવી દીધું છે. આમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હોવાની પણ આશંકા છે.
હિઝબુલ્લાહના લશ્કરી મુખ્યાલય પર આ હુમલો તાજેતરના કલાકોમાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં ઇઝરાયલી વાયુસેનાના લડાકુ વિમાનોએ દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠનના મુખ્યાલય, તેના લશ્કરી માળખા, લોન્ચર્સ અને આતંકવાદીઓને નષ્ટ કરી દીધા છે.
હમાસ સાથે ઇઝરાયલનો યુદ્ધવિરામ તૂટી ગયા પછી,આઇડીએફ એ સૌપ્રથમ ગાઝા પર ભીષણ હુમલો શરૂ કર્યો. વિરોધમાં, હિઝબુલ્લાહે ફરીથી ઇઝરાયલ પર રોકેટ છોડવાનું શરૂ કર્યું. આ પછી, ઇઝરાયલી સેના લેબનોનમાં હિઝબુલ્લાહના મહત્વપૂર્ણ ઠેકાણાઓને નિશાન બનાવી રહી છે.આઇડીએફએ કહ્યું કે તે ઇઝરાયલ રાજ્યના નાગરિકો માટે કોઈપણ ખતરાને દૂર કરવા માટે આ આતંકવાદીઓ સામે કાર્યવાહી ચાલુ રાખશે.
બેરૂતમાં ઇઝરાયલી સેના દ્વારા આ બોમ્બમારો ઉત્તરી ઇઝરાયલ પર લેબનીઝ પ્રદેશમાંથી રોકેટ છોડવામાં આવ્યા બાદ કરવામાં આવ્યો છે. રોકેટ હુમલા પછી સરહદ નજીક એલર્ટ સાયરન સંભળાયા. ત્યારબાદ ઇઝરાયલી સૈન્યએ બેરૂતના દક્ષિણ કિનારે આવેલા ગીચ વસ્તીવાળા હદાથ પડોશના રહેવાસીઓને એક ઇમારતમાંથી ખાલી કરવાનો આદેશ આપ્યો, અને બે કલાકથી ઓછા સમયમાં, હવાઈ હુમલાઓ શરૂ થયા હતા.
ઇઝરાયલી સૈન્યએ કહ્યું કે તેણે હિઝબુલ્લાહ ડ્રોન સ્ટોરેજ સુવિધાને નિશાન બનાવી હતી. જોકે, તેણે તેની ધરતી પર થયેલા રોકેટ હુમલા માટે હિઝબુલ્લાહને સીધો દોષી ઠેરવ્યો નથી. આ મુદ્દે હિઝબુલ્લાહે પણ એક નિવેદન બહાર પાડ્યું છે. હિઝબુલ્લાહે ઇઝરાયલ પર રોકેટ હુમલામાં સંડોવણીનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તે યુદ્ધવિરામ માટે પ્રતિબદ્ધ છે. લેબનીઝ સેનાએ કહ્યું કે તે ઇઝરાયલની ધરતી પર કોણે રોકેટ છોડ્યા તેની તપાસ કરી રહી છે.