બેટી રામપર ગામના કુવામાંથી મળી આવેલી બાળકના મૃતદેહનો ભેદ એક માસના અંતે ઉકેલાયો
આ સંતાન કોનું છે?… પતિ સાથે ઝગડો થતો હોય માતાએ પુત્રને કુવામાં ફેંકી દીધો’તો
Rajkot,તા.31
શહેરની ભાગોળે આવેલ બેટી રામપર ગામની સીમમાં કુવામાંથી એક માસ પહેલાં ચાર વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જે મામલે એક માસ બાદ જનેતાએ જ તેના માસૂમ ફૂલ જેવાં બાળકને કૂવામાં ફેંકી મોતને ઘાટ ઉતાર્યાનો ખુલાસો થતાં ખળભળાટ મચી ગયો હતો અને માતા પર લોકોએ ફિટકાર વરસાવ્યો હતો. એરપોર્ટ પોલીસે મહિલાની અટક કરી હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
મામલામાં ભાવનગર રોડ પર ભારતનગર શેરી નં.૧૨ માં રહેતાં રણછોડભાઇ ઘુઘાભાઇ કિહલા (ઉ.વ.૨૭) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે તેની પત્નીનું નામ આપી જણાવ્યું હતું કે, લગ્ન પાંચેક વર્ષ પહેલા થાનના ખાખડાથર ગામમાં રહેતી ભાવુબેન સાથે થયેલ હતા. લગ્ન જીવન દરમીયાન આશાબેન તથા નાનો દીકરો આર્યન હતો. લગ્ન થયા ત્યારબાદ એકાદ વર્ષ પછી તેઓને પત્ની ઉપર શંકા થયેલ કે, તેનુ કોઇની સાથે લફરૂ છે, તે બાબતે દંપતીને અવાર-નવાર ઝઘડો થયા કરતો હતો.
દરમિયાન તેમની પત્ની બીજીવાર ગર્ભવતી થઇ ત્યારે પુછ્યુ કે, આ પેટમાં છોકરૂ છે, તે કોનુ છે, તો પત્નીએ કહ્યું કે, આ છોકરૂ તારૂ નથી, આ છોકરૂ હુ જેને પ્રેમ કરૂ છુ તે છોકરાનુ છે, એટલે તેઓએ તેને કહ્યું કે, તારે તે છોકરો રાખવો હોય તો તુ તારા માવતરે જતી રહે, તેમજ ફરીયાદીના માતા-પીતાએ કહ્યું કે, કે આપણે ડોક્ટર પાસે જાય અને તપાસ કરાવીએ તો પત્નીએ ના પાડી અને તે તેના માવતરે જતી રહેલી હતી. ત્યારે તેમની પત્ની સાત-આઠ મહીના તેના માવતરે રોકાયેલી અને તેને દિકરાનો જન્મ પણ તેના માવતર કર્યો હતો. ત્યારે પણ સમાજના અને કુંટુબના લોકો ભેગા થયા અને તેઓની વચ્ચે સમાધાન કરાવલ હતું. તેઓ તેની પત્ની અને બાળકોને લઇને પાછા ઘરે આવી ગયેલ હતા. દરમિયાન છ મહીના પહેલા તેઓએ પત્નીને કોઇની સાથે ફોનમાં વાત કરતા પકડેલ એટલે તેને કહ્યું કે, તારે જો લફરા કરવા જ હોય તો મારી સાથે ના રહે, અને તુ તારા માવતરે જતી રહે અને ત્યારે તે ફરી રીસામણે જતી રહેલ હતી. ત્યારબાદ તે પત્નીના પીયર ગયેલ અને ત્યાં તેઓની પત્ની સાથે લફરૂ કરેલ તે છોકરો ગભરૂ કાળોતરા પણ ત્યાં આવેલ અને ત્યારે સમાધાન થયેલ હતુ.પત્ની તેમની સાથે સરખી રહેતી હતી. તેઓ પણ તેની ઉપર શંકા કરતો ન હતો. આ સમય દરમીયાન તે તેના પીયર પણ ગઇ ન હતી. ગઇ તા.૨૭ ના તેમની પત્ની ભાવુ તેના માવતરના ઘરે ગઇ હતી. ઘરે પોલીસ આવી હતી અને પોલીસ સ્ટેશને લાવતાં તેઓને જાણ થઈ કે, જે મારો છોકરો આર્યન છે તેને મે મારી નાખ્યો છે તેવુ મારી પત્ની ભાવુએ પોલીસને અને તેના માવતરને કહ્યું છે અને પોલીસ સમક્ષ જણાવેલ કે, પોતે આ આર્યનને બેટીગામ પાસે એક કુવામા નાખી દિધેલ હોવાની કબુલાત આપેલ છે. બનાવ અંગેની ફરીયાદ પરથી એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ ઈલાબેન સાવલીયા અને ટીમે સનસનીખેજ બનાવનો ભેદ ઉકેલી આરોપી મહિલાની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનિય છે કે, એક માસ પહેલાં રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલ રામપર-બેટી ગામમાં હાઈવે નજીક સીમમાં ખેડૂત જયેશભાઇ બાંભણીયાની વાડીમાં મૃત બાળકની લાશ તરતી હોવાનું સામે આવતાં તુરંત ખેડૂતે પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે જાણ થતાં એરપોર્ટ પોલીસ મથકની ટીમ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફાયરબ્રિગેડની મદદથી બાળકને બહાર કાઢ્યો હતો.