Mumbai, તા.5
અમેરિકાના ટેરીફના પગલે વૈશ્વિક ટ્રેડવોરના ભણકારાથી શેરબજારથી માંડી કોમોડીટી સુધી તમામ માર્કેટોમાં ઉથલપાથલ સાથે મંદીનો અજગર ભરડો સર્જાયો છે ત્યારે સોના-ચાંદીમાં આજે વધુ ગાબડા પડયા હતા.
રાજકોટમાં સોનાનો ભાવ વધુ રૂા. 1500ના કડાકાથી 91600 થયો હતો ત્યારે ચાંદી 4000 રૂપિયા ગગડીને 91100 થઇ હતી. બે દિવસમાં સોનાના ભાવમાં 2500 તથા ચાંદીમાં 9000 રૂપિયાનો પ્રચંડ કડાકો સર્જાયો છે.
વિશ્વ બજારમાં જ ગઇ રાત્રે સોનામાં જોરદાર મંદી થઇ હતી અને ભાવ 3038 ડોલરને સ્તરે આવી ગયો હતો જે આગલા દિવસે 3166 ડોલરની સર્વોચ્ચ ઉંચાઇએ હતો.
ટ્રેડવોરના કારણે વિશ્વભરમાં મહામંદી સર્જાવાના ભણકારાના કારણે આ સ્થિતિ સર્જાઇ છે. અત્યાર સુધી મોટા ભાગના નિષ્ણાંતો સોનાનો વૈશ્વિક ભાવ 3300 ડોલર થવાની આગાહી કરતા રહ્યા હતા.
ત્યારે હવે એક અમેરિકી વિશ્લેષકે સોનાના ભાવમાં પ્રચંડ કડાકો થવાની અને 10 ગ્રામનો ભાવ 55000 થવાની આગાહી કરતા ઝવેરી બજારમાં પણ સોંપો પડી ગયો છે.