Mumbai, તા.૭
નીના ગુપ્તા પોતાના વિચારો ખુલીને વ્યક્ત કરવા માટે જાણીતાં છે. થોડા વખત પહેલાં તેમણે ફેમિનિઝમની વિચારધારાને ફાલતુ ગણાવતા તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે તેમણે પોતાના શબ્દો બાબતે તકેદારી રાખતાં કહ્યું કે મહિલાઓએ અંદરથી મજબુત થવાની વાત છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે સ્ત્રી તરીકે જન્મ લેવો એ એક શાપ સમાન છે. સ્ત્રીઓને સામાન્ય રીતે જે ક્રુરતાઓનો ભોગ બનવું પડે છે, તે અંગે પણ વાત કરી હતી. એક યુટ્યુબર સાથેની પોડકાસ્ટમાં નીના ગુપ્તાએ કહ્યું કે હું કોઈ વિવાદમાં પડવા માગતી નથી. છતાં ફેમિનિઝમ પરના પોતાના વિચારે અંગે તેમને પૂછવામાં આવ્યું હતું. નીના ગુપ્તાએ કહ્યું કે ફેમિનિઝમ એટલે સ્ત્રીઓએ અંદરથી મજબુત રહેવું. નીના ગુપ્તાએ આગળ કહ્યું, “હું જે ઇચ્છું એ શક્ય નથી. હું ઇચ્છું છું કે એ લોકો સુરક્ષિત રહે પણ એ શક્ય નથી. લોકો કહે છે મહિલાઓને શિક્ષિત કરો. જો તમે એમને શિક્ષિત કરશો તો, એમને નોકરી પણ કરવી પડશે, ખાસ કરીને ગરીબ સ્ત્રીઓ. સ્થિતિ એટલી દુઃખદ છે કે મારા રુંવાડા ઉભા થઈ જાય છે.”વાસ્તવિકતા જાણવા છતાં આશાવાદી રહેવા અંગે નીનાએ કહ્યું, “હું વાસ્તવિકતા જાણતી હોય તો આશાવાદી કઈ રીતે રહી શકું. આ એક શાપ છે. મહિલાઓ સાથે ઝૂંપડાઓમાં શું થાય છે? મારે તો નિરાકરણ જોઈએ છે. પણ મને સૂઝતું નથી.”