Rajkot,તા.9
વર્તમાન સમયમાં યુવાનોમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે ત્યારે આજે રાજકોટમાં વધુ એક યુવાનને આવેલો હૃદય રોગને હુમલો જીવલેણ નિવડયો છે.આ અંગે મળતી વિગત અનુસાર રાજેશભાઈ રમેશભાઈ ચક (ઉ.વ.42, રહે.માધાપર,વૃંદાવન સોસાયટી, શેરી નં.3, મધુવન મકાન, રાજકોટ) આજે વહેલી સવારે 4.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે સુતા ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા બે ભાન થઈ ગયા હતા.ઘરના અન્ય સભ્યોએ તેમને તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. જયાં સારવાર દરમિયાન ઈમરજન્સી રૂમમાં ડો.કૃપાલી કોટડીયાએ રાજેશભાઈને મૃત જાહેર કર્યા હતાં.
આ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફને જાણ કરાતા એએસઆઈ રામશીભાઈ વરૂ, રાઈટર તોફીકભાઈ મલેકએ નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડયા કાર્યવાહી કરી હતી.પરિવારજનોએ જણાવ્યું કે રાજેશભાઈ 2 ભાઈ અને 1 બહેનમાં મોટા હતાં.તેમને નાણાવટી ચોકમાં નાઈટવેર કપડાની દુકાન છે તે ચલાવતા હતા.યુવાનનું આમ અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.