Jamnagar,તા ૯
જામનગર શહેરમાં ગેરકાયદે રીતે જાહેરમાં ઘાસ ચારાનું વેચાણ કરવામાં આવે છે, તેવા વિક્રેતાઓ સામે કેટલ પોલિસી અનુસાર આજે પણ અવિરત રીતે જપ્તીકરણની કાર્યવાહી કરવામાં આવી હતી, છેલ્લા કેટલાક દિવસથી મહાનગરપાલિકાના તંત્ર તેમજ ઘાસ વિતરકો વચ્ચેનો પકડ દાવ ચાલુ છે, તેમજ ઘાસ વિતરકો પોતાનું સ્થળ બદલીને ઘાસનું ખાનગીમાં વેચાણ કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા ની ટુકડીએ આવા ઘાસ વિતરકો સાથેનો પકડદાવ આવીરત ચાલુ રાખ્યો છે, જેના ભાગરૂપે આજે વધુ ૮૦૦ કિલો જેટલો ઘાસનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા છેલ્લા બે સપ્તાહથી કવાયત કરવામાં આવી રહી છે. અને કેટલ પોલીસીનો કડક હાથે અમલ કરાવવામાં આવે છે. ઉપરાંત અદાલતના હુકમનું પાલન કરવા માટે શહેરને રસ્તે રઝળતા ઢોરથી મુક્ત કરવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવાઇ રહી છે, ત્યારે આજે જાહેર રોડ પર ઘાસનું વેચાણ કરનારા ૫ વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, અને ૮૦૦ કિલોગ્રામ ઘાસ જપ્ત કરી લઇ જામનગર મહાનગર પાલિકા સંચાલિત ઢોર ના ડબ્બામાં મોકલી દેવામાં આવ્યું છે.