ઇંટના ધંધાની ભાગીદારી છૂટી કરવાના મામલે થયેલા ડખામાં સામ સામી મારામારી થઈ તી
Rajkot,તા.09
ઇંટના ધંધાની ભાગીદારી છૂટી કરવાના થયેલા ડખામા ભાગીદાર ઉપર હુમલાના કેસમાં અદાલતે ત્રણ પટેલ બંધુઓને નિર્દોષ છોડી મૂકવા, જ્યારે સામી ફરીયાદ પ્રેમજી ડાભીને આઈ.પી.સી. ૩૨૩માં કોર્ટ ઉઠતા સુધીની સજા અને દંડનો હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ મયુરનગરના રહેવાસી પ્રેમજી રાજાભાઈ ડાભી ગઈ તારીખ 3/ 5/ 2020ના રોજ સવારે સંતકબીર રોડ ઉપર ચંપક નગર-૧માં રહેતા કડવાભાઈ, પ્રવિણભાઈ તથા અનિલભાઈ હાપલીયાના ઘરે ખેતીની તથા ઇંટોની ભાગીદારી છુટી કરવા વાત-ચીત કરવા ગયેલ હતા, ત્યારે ત્રણેય ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી ચેન વડે હુમલો કરવા ઉપરાંત ઢીકા પાટુનો માર મારી શરીરમાં અનેક ઇજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ પ્રેમજીભાઈ ડાભીએ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. બાદમાં પ્રવીણભાઈ વગેરે સામી ફરિયાદ પણ નોંધાવી હતી.આ બંને ફ્રોસ ફરીયાદનો કેસ ચાલવા ઉપર આવતા પ્રવીણભાઈ હાપલીયા વગેરે વતી એડવોકેટ સંજય એચ. પંડયાએ કોર્ટેને દલીલમાં જણાવેલ કે, પ્રેમજી ડાભી ઉપર આશરે ૬ જેવા આઈ.પી.સી.ને લગતા ગુનાઓ છે. પ્રેમજી ડાભી વારે-વારે એક પ્રવિણભાઈ હાપલીયા તથા તેના પરીવાર ઉપર હુમલા કરતા હતા. આ રજુઆતો ઘ્યાને લઈને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે કડવાભાઈ, પ્રવિણભાઈ, અનિલભાઈની સામેનો કેસ ફરીયાદી પ્રેમજી ડાભી સાબીત કરવામાં નિષ્ફળ ગયાનું ઠરાવીને ત્રણેયને નિર્દોશ છોડી મુકતો હુકમ ફરમાવેલ છે. અને પ્રવિણભાઈ હાપલીયાએ કરેલ વળતી ફરિયાદમાં પ્રેમજી રાજા ડાભીને આઈ.પી.સી.ની કલમ -૩૨૩ નીચે તકસીરવાર ઠરાવીને કોર્ટ ઉઠતા સુધીની સજા તથા ૧,૦૦૦ રૂપિયાનો દંડ અને જો દંડ ન ભરે તો ૧૫ દિવસની કેદ કરતો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં પ્રથમ ફરિયાદના બચાવપક્ષ વતી એડવોકેટ સંજયભાઈ એચ. પંડયા તથા મનિષભાઈ એચ.પંડયા, જયદેવસિંહ ચૌહાણ તથા વનરાજસિંહ જાડેજા રોકાયા હતા.