New Delhi,તા.૧૪
આઇપીએલ ૨૦૨૫ ની ૨૯મી મેચ ૧૩ એપ્રિલ, રવિવારના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ દરમિયાન, અમ્પાયરો મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના બેટની તપાસ કરતા જોવા મળ્યા હતા. સૂર્યકુમાર યાદવના આઉટ થયા પછી જ્યારે પંડ્યા પાંચમા નંબરે બેટિંગ કરવા આવ્યો ત્યારે અમ્પાયરે તેના બેટની પહોળાઈ તપાસી. તેણે આ કર્યું કારણ કે તે ખાતરી કરવા માંગતો હતો કે તેનું બેટ ટુર્નામેન્ટ માટે નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર હોય.
અમ્પાયર હાર્દિકના બેટને તપાસવા માટે એક ઉપકરણનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. ૧૩ એપ્રિલે રમાયેલી બે મેચમાં આ ત્રીજી ઘટના હતી, જ્યારે અમ્પાયરે બેટ્સમેનનું બેટ ચેક કર્યું. અગાઉ, જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ દરમિયાન શિમરોન હેટમાયર અને ફિલિપ સોલ્ટના બેટનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે આઇપીએલમાં અમ્પાયરને કોઈપણ બેટ્સમેનનું બેટ ચેક કરવાની પરવાનગી હોય છે.
અમ્પાયરે બેટ આઇપીએલના નિયમોનું પાલન કરે છે કે નહીં તેની ખાતરી કરવા માટે તેની તપાસ કરી હતી. આઈપીએલના નિયમ ૫.૭ મુજબ બેટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિયમ બેટના કદને લગતો છે. જોકે,આઇપીએલના નિયમોમાં બેટના કદના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કોઈ દંડ નથી. જો બેટ આઇપીએલના નિયમો મુજબ ન હોય તો તે કિસ્સામાં બેટ્સમેનને બીજું બેટ વાપરવાનું કહેવામાં આવે છે.
નિયમો અનુસાર, હેન્ડલ સહિત બેટની કુલ લંબાઈ ૩૮ ઇંચ (૯૬.૫૨ સે.મી.) થી વધુ ન હોવી જોઈએ. બેટની પહોળાઈ ૪.૨૫ ઇંચ (૧૦.૮ સે.મી.) થી વધુ ન હોવી જોઈએ. બેટની ઊંડાઈ ૨.૬૪ ઇંચ (૬.૭ સે.મી.) થી વધુ ન હોવી જોઈએ. બેટની ધાર ૧.૫૬ ઇંચ (૪.૦ સે.મી.) થી વધુ ન હોવી જોઈએ. હેન્ડલ બેટની કુલ લંબાઈના ૫૨% થી વધુ ન હોવું જોઈએ.