Rajkot,તા.16
શહેરના ટાગોર રોડની મિલ્કત બાબતે 28 વર્ષથી ભાડુઆત દરજ્જે રહેલા ધંધાર્થીના મિલકતના હાલના માલિક સામેના દાવામાં અદાલતે ભાડુઆતની તરફેણમાં અને મકાન માલિક વિરૂધ્ધ કાયમી મનાઈહુકમ ફરમાવ્યો છે.
રાજકોટમાં ટાગોરરોડ ઉપર આવેલ સિલ્વર ચેમ્બર નજીક આલોક દયાશંકર અગ્રવાલની મિલ્કતમાં માઉન્ટ મીડિયા તથા પારેખ એન્ટરપ્રાઈઝની પેઢીના માલિક હિતેન્દ્રભાઈ પારેખ ભાડુઆત દરજજે ધારણ કરી સ્ટેશનરી અને પ્રિન્ટીંગ ધંધો કરતા હોય, ભુતકાળમાં જે તે મિલ્કતમાં વાદી પારેખ એજન્સી તથા પારેખ એન્ટરપ્રાઇઝના નામથી કામ કરતા હતા અને હાલમાં તેઓ માઉન્ટ મીડિયા તથા પારેખ એન્ટરપ્રાઈઝના નામથી કામ કરે છે. સદરહું મિલ્કતમાં હિતેન્દ્ર પારેખ ૧૯૯૭થી ભાડુઆત તરીકેનું સ્ટેટસ ધારણ કરતા હોય અને ભુતકાળમાં તેના માલિક જવાહરલાલ બી. વાઘર હતા. તેઓને નિયમિત રીતે ભાડું ચુકવવામાં આવતું હતું, જે તે મિલકત આલોક દયાશંકર અગ્રવાલે ૧૯૯૫માં ખરીદ કરી માલિક બનેલ. .
ત્યારબાદ વાદી હિતેન્દ્ર પારેખે પ્રતિવાદી આલોક દયાશંકર અગ્રવાલને ભાડું ચુકવેલ પરંતુ તેની પહોંચની ડિમાન્ડ કરતા પ્રતિવાદી મકાન માલીકે પોલીસમાં ફરીયાદ દાખલ કરેલ, જે ફરીયાદ અનુસંધાને પોલીસે કબ્જો છોડાવવા માટે વાદીને ધમકાવવાનો પ્રયાસ કરતા ભાડુઆત હિતેન્દ્ર પારેખે રાજકોટ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. વાદી ભાડુઆતનો સંપુર્ણ દાવો મંજુર કરી દાવાના તમામ મુદાઓ ભાડુઆતની તરફેણમાં મુલવીને ઠરાવેલ છે કે વાદી હિતેન્દ્રભાઈ પારેખ સદરહું મિલ્કતના ભાડુઆત છે. અને ઉપરોકત મિલ્કત માસિક રૂા.૬૫૧/- ના ભાડાથી ઘારણ કરે છે. આ સંજોગોમાં પ્રતિવાદી મકાન માલિક જાતે કે તેના એજન્ટ, એટર્ની કે નોકર કે અન્ય કોઈ મારફત વાદી ભાડુઆતના કબ્જામાં ખલેલ પહોંચાડવી નહીં કે કબ્જામાં કોઈ આવરણ ઉત્પન્ન ન કરવું તેમજ કાયદાની પ્રક્રિયા અપનાવ્યા વગર ભાડુઆત પાસેથી કબ્જો છોડાવવો નહીં. વિશેષમાં કોર્ટે એમ પણ ઠરાવેલ છે કે, મકાન માલીકે ભાડુઆત દ્વારા ચુકવવામાં આવેલ ભાડાની પહોંચ ઈશ્યુ કરવા હુકમ કર્યો છે. આ કામમાં વાદી વતી એડવોકેટ વિકાસ કે. શેઠ, અલ્પા શેઠ, પ્રકાશ ભેડવા, ફાતેમાં ભારમલ વિગેરે વકીલ તરીકે રોકાયા હતા.