Rajkot,તા.19
હાલના કેસમા નજરે જોનાર સાક્ષીની ઉલટ તપાસ દરમ્યાનના કોઈપણ જવાબ તેઓની વિશ્વસનીયતાને ઘટાડતા નથી : સરકારી વકીલ એસ.કે વોરા
મૃતકના પરીવારને રૂા.૧૦ લાખ વળતર ચુકવવા જિલ્લા કાનુની સેવા સત્તા મડળને ભલામણ
શહેરમાં રવીરત્ન પાર્કમાં પૈસાની લેતીદેતીમા ખેલાયેલા ખુન કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન સખ્ત કેદની સજા અને રૂા.૨૫ હજારનો દંડ તેમજ મૃતકના પરીવારજનોને રૂા.૧૦ લાખ વળતર પેટે ચુકવવા માટે જિલ્લા કાનુની સેવા સત્તા મડળને ભલામણ કરી છે.
આ કેસની હકિક્ત મુજબ રાજકોટમાં સ્વામીનારાયણ મંદિરની સામે આવેલ નકળક ટી સ્ટોલ ખાતે તા.૨૩/૦૨/૨૦૧૯ ના રોજ હરેશભાઈ માધવજીભાઈ મકવાણા અને આરોપી ફીરોજ મોટલીયા નાણાકીય વ્યવહાર અર્થે મળ્યા હતા. ત્યાર બને વચ્ચે ઝઘડો થતા હરેશભાઈ પોતાનું મોટર સાયકલ લઈ રવિરત્ન પાર્ક, શેરી ન.૪ ના ખુણા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી ફીરોજ માટલીયાએ બાઈક લઈ પીછો કરી હરેશભાઈના બાઈક સાથે અકસ્માત સર્જી પછાડી દઈ છરીના આડેધડ ઘા ઝીંકી દીધા મોતને ઘાટ ઉતાર્યા હતા. મોટર સાઈકલ ભટકાવાથી આરોપી ફીરોજને પણ ઈજા થતા સિવીલ હોસ્પિટલે જઈ સારવાર લીધી હતી. આ અગે હરેશભાઇના ભત્રીજા પિયુષ મકવાણાએ પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. તપાસ અધિકારીએ આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
જે કેસ ચાલવા ઉપર આવતા આરોપી તરફે બચાવ લેવામા આવેલ કે, બનાવ નજરે જોનાર સાહેદ મૃતકના સગા છે અને તે બનાવ સમયે આ જગ્યાએ હાજર હોય તે સભવીત નથી. સીસીટીવી ફુટેજની જે સીડી મેળવવામા આવેલ છે તે સીડી સાથે પુરાવા અધિનિયમની કલમ-૬૫(બી) નુ પ્રમાણપત્ર ન હોવાથી આ સીડીની અદરનો ડેટા જોઈ શકાય નહી. જ્યારે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે, કોઈ નજરે જોનાર સાક્ષી મૃતકના સગા હોય તેથી તે સાક્ષી અવિશ્વસનીય માની શકાય નહીં. સાક્ષીની વિશ્વસનીયતા તેની ઉલટતપાસ દરમ્યાનના જવાબોથી નકકી થાય છે. હાલના કેસમા નજરે જોનાર સાક્ષીની ઉલટ તપાસ દરમ્યાનના કોઈપણ જવાબ તેઓની વિશ્વસનીયતાને ઘટાડતા નથી. સીસીટીવી ફુટેજની સીડીનુ પ્રમાણપત્ર ન હોય તો પણ ગાધીનગર ખાતેની ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાએ આ સીડીનુ પરીક્ષણ કરી તેની સચોટતા અંગે અહેવાલ આપેલ છે. આ કારણે સીડીમા રહેલ ડેટા ઉપરથી મરણજનાર તથા તેનુ વાહન અને આરોપી તેમજ તેનુ વાહન સ્પષ્ટપણે ઓળખી શકાતુ હોય ત્યારે આરોપીને તકસીરવાન ઠરાવવો જોઈએ. આરોપી સામેની ચાર્જશીટમા ૫૧ સાહેદોના નામ જણાવવામાં આવેલ છે પરતુ બીજા સાક્ષીઓની જુબાની નોધવામાં આવેલ નથી. આ અંગે સરકાર તરફે જવાબ આપવામાં આવેલ કે, ભારતીય પુરાવા અધિનિયમની જોગવાઈ મુજબ ફક્ત ૧–સાક્ષીની જુબાનીથી આરોપી સામેનો કેસ પુરવાર થતો હોય તો બીજા સાક્ષીની જુબાની લેવી પણ જરૂરી નથી. આ મુજબ પ્રોસીકયુશનને જેટલા સાક્ષીઓ મહત્વના લાગેલ હોય તેટલા જ સાક્ષીઓની જુબાનીથી આરોપી સામેનો કેસ પુરવાર થઈ શકે. આ ઉપરાત જયારે આરોપીને બનાવ સમયે ઈજા થયેલ હોય અને સીવીલ હોસ્પિટલમા તે અંગે આરોપી સારવાર લેવા ગયેલ હોય તે પણ સચોટ સાયોગીક પુરાવા છે, જેના આધારે પણ આરોપીને તકસીરવાન ઠરાવવો જોઈએ સહિતની દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ અધિક સેશન્સ વી.એ. રાણાએ આરોપી ફિરોજ ઝીકરભાઈ માટલીયાને આજીવન સખ્ત કેદની સજા અને રૂા.૨૫ હજારનો દંડ તેમજ મૃતકના પરીવારજનોને રૂા.૧૦ લાખ વળતર પેટે ચુકવવા માટે જિલ્લા કાનુની સેવા સત્તા મડળને ભલામણ કરી છે.આ કેસમા સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સજયભાઈ કે. વોરા રોકાયા હતા.