Bhuj,તા.19
કચ્છમાં કલેક્ટર પદે રહીને અનેક કંપનીઓને આર્થિક ફાયદો પહોંચાડવા અને ખોટી રીતે જમીન ફાળવણી કરીને સરકારી તિજારીને લાખોનું નુકસાન પહોંચાડવાના અલગ અલગ કેસમાં પ્રદીપ શર્માની મુશ્કેલી વધી છે. અમદાવાદની કોર્ટ દ્વારા ત્રણ અલગ અલગ કેસમાં પાંચ વર્ષની સજા ફટકારાયા બાદ હવે ભુજની કોર્ટે સમાઘોઘા ખાતે આવેલી સો પાઈપ્સ લિમિટેડ જિંદાલ કંપનીને જમીન ફાળવણી મામલે કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા તથા સહ આરોપીઓને 5 વર્ષની સખત કેદ તથા રૂપિયા 10000 નો દંડ ફટકાર્યો છે.
આ ચુકાદો ભુજ કોર્ટના ચોથા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સંભળાવ્યો હતો. પ્રદીપ શર્માની સાથે સાથે આ મામલે નટુભાઈ (તત્કાલીન નગરનિયોજક, ભુજ), નરેન્દ્ર પોપટલાલ (નાયબ મામલતદાર, કચ્છ) અને અજિત સિંહ ઝાલા (તત્કાલીન નિવાસી નાયબ કલેક્ટર, ભુજ) ને પણ દોષિત ઠેરવતા સજા ફટકારવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રદીપ શર્માને સરકારના પરિપત્ર અને હુકમ મુજબ 2 હેક્ટર જમીન 15 લાખ રૂપિયાની કિંમતે ઔદ્યોગિક હેતુ માટે જમીન મંજૂર કરવાની સત્તા મળી હતી. જેની સામે તેણમે 47173 ચો.મી. જમીન મંજૂરી કરી દીધી હતી. આ રીતે તેમના પર સરકારના હુકમની અવગણના કરવાનો અને બદઈરાદે સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. જેમાં તેઓ દોષિત ઠર્યા છે. જેના બાદ ભુજ કોર્ટે આઈપીસીની કલમ 409, 120 (B) હેઠળ કાર્યવાહ કરતાં 5 વર્ષની કેદની સજા અને 10000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
આ સાથે કોર્ટે કહ્યું છે કે અમદાવાદ કોર્ટ દ્વારા પ્રદીપ શર્માને જે 5 વર્ષની સજા કરવામાં આવી છે તે પૂર્ણ થયા બાદ આ સજાના સમયગાળાની ગણતરી શરૂ કરવામાં આવશે અને જો તે દંડની રકમ નહીં ભરે તો વધુમાં 6 મહિનાની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.