Girsomnath,તા.૧૯
શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે નવનિર્મિત થનાર સોમેશ્વર કુમાર છાત્રાવાસ (બોય્ઝ હોસ્ટેલ) તથા નટેશ્વર રંગમંચનો શિલાન્યાસ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કર્યો હતો.શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, આપણાં વેદ, પુરાણ ઉપનિષદોમાં સમાજ જીવનને દર્શિત કરતા જ્ઞાનનો ભંડાર ભરેલો છે. આ ગ્રંથો સંસ્કૃતમાં લખાયેલા છે ત્યારે તેને તેમાંથી બહાર લાવી લોકભોગ્ય બનાવવાની જરૂરિયાત છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, એક સમયે ઇઝરાયેલની હિબ્રુભાષા વિલુપ્તપ્રાય હતી, પરંતુ તેને બચાવવા માટેના પ્રયત્નો થવાથી આજે તે બચી શકે છે અને મોટા પ્રમાણમાં વિકસિત થઈ શકે છે. તેની સામે આપણી પાસે સંસ્કૃતિના જ્ઞાતાઓના વટવૃક્ષો છે, ત્યારે તેમનો લાભ લઈને આ સંસ્કૃતિમાં આરોપિત થયેલાં જ્ઞાનને આધારે સમાજને પ્રકાશિત કરવાની જરૂર છે.
શિક્ષણથી માંડીને ધન્વંતરીના આરોગ્ય સુધીના જ્ઞાનને સંસ્કૃત ગ્રંથોમાં સમાહિત કરવામાં આવેલું છે, ત્યારે આજે સંસ્કૃત શીખવાની જરૂર છે. સંસ્કૃત એ ટકાવારીનો વિષય નહીં, પરંતુ શીખવાનો વિષય બનવું જોઈએ. રાજ્ય સરકાર આ માટેની તમામ મદદ કરવા તૈયાર છે, તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.સામાન્ય રીતે અંગ્રેજી બોલતો વ્યક્તિ આપણને વિદ્વાન લાગે, પરંતુ એક સમય આપણે એવો લાવવો છે કે, જ્યારે સંસ્કૃત બોલનાર વ્યક્તિ સામે સામેની વ્યક્તિ અહોભાવથી જૂએ તેવા સમાજનું આપણે નિર્માણ કરવું છે.
સંસ્કૃતના પુનઃ જાગરણની નેમ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, સંસ્કૃતને માહિતી આધારિત નહીં, પરંતુ જ્ઞાનસભર અને સમાજ ઉપયોગી બનાવવું છે.સોમનાથ ખાતે સને ૧૯૫૧-૫૨ માં સોમનાથ ટ્રસ્ટની રચના સાથે આ જ ક્ષેત્રમાં સંસ્કૃતના પ્રચાર-પ્રચારનું કેન્દ્ર બને તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો.તેને વાસ્તવમાં સાકાર કરતા વર્ષ ૨૦૦૫-૦૬ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલિન મુખ્યમંત્રી રહેતાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી બનાવીને આ સંકલ્પને સાકાર કર્યો હતો.
સંસ્કૃત અને સંસ્કૃતિ એક લીટીમાં વણાયેલું છે, સંસ્કૃતને ફક્ત જ્ઞાન આધારિત નહીં, પરંતુ તેના આધારે અર્થોપાર્જન કેવી રીતે કરી શકાય તે દિશામાં પણ આપણે આગળ વધવું છે.મંત્રીએ પુષ્પક વિમાનની વાત તેમજ નાસા દ્વારા ગ્રહો-નક્ષત્રોને આધારે ભગવાન શ્રી રામના જન્મદિવસ તેમજ ભૂતકાળનો સમય નક્કી કરતા હોય તેવાં સમયે આપણી પાસે આ બધું જ્ઞાન વર્ષોથી આપણા સંસ્કૃત સાહિત્યમાં ધરબાયેલું પડેલું છે. કેવળ તેને ફંફોશીને સમાજ ઉપયોગી બનાવવાની જરૂર છે તેમ જણાવ્યું હતું.
સંસ્કૃતની મહત્વના વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જર્મનીમાં પણ સંસ્કૃત વંચાય છે. ૨૦૦ જેટલી કોલેજોમાં સંસ્કૃત વિભાગ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આપણી પુરાતન સંસ્કૃતિ ભાષાને આગળ લઈ જવા માટે કટિબદ્ધ છે, તેમ વધુમાં તેમણે જણાવ્યું હતું.યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંતકુમાર સેનાપતિએ સ્વાગત પ્રવચન કરતાં યુનિવર્સિટીએ આટલા વર્ષોમાં મેળવી સિદ્ધિઓની વાત કરી હતી. યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ ડૉ. લલિતકુમાર પટેલે આભાર વિધિ કરી હતી.