Rajkot,તા.21
ગુજરાત રાજ્ય જ્યુડિશિયલ સ્ટાફ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ટી-20 સીઝન ક્રિકેટ ટૂર્નામેન્ટ 2024- 25માં રાજકોટ જિલ્લા ન્યાયાલય સ્ટાફે શાનદાર પ્રદર્શન કરીને ટાઇટલ જીતી લેતા રાજકોટ ન્યાયાલયની ટીમ ૪થી વખત ચેમ્પિયન બની છે. જ્યારે વડોદરા ટીમ રનર્સ અપ થઈ છે.ન્યાયિક સ્ટાફમાં કાયમી ઉર્જા, ટીમ વર્ક અને રમતગમત પ્રત્યે રસ વધારવા અને કર્મચારીઓમાં રમતગમતની ભાવના અને સહકારને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્ય જ્યુડિશિયલ સ્ટાફ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ટી-20 સીઝન ક્રિકેટ ટૂર્નામેન્ટ 2024-25નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં રાજ્યની 24 જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. તેમાં વડોદરા જિલ્લા ન્યાયાલય અને રાજકોટ જિલ્લા ન્યાયાલયની ટીમ વચ્ચે ફાઇનલ મેચ તા.20 એપ્રિલ, 2025ના રોજ યોજાયો હતો. તેમાં રાજકોટ ન્યાયાલયની ટીમ ચેમ્પિયન બની હતી. આ જીત સાથે રાજકોટ જિલ્લા ન્યાયાલયે ટૂર્નામેન્ટમાં પોતાની સતત શ્રેષ્ઠતા સાબિત કરી છે. ફાઇનલ મેચમાં રાજકોટની ટીમે શાનદાર બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગનું પ્રદર્શન કરીને વડોદરાને પરાજય આપ્યો હતો. રાજકોટ જિલ્લા ન્યાયાલયે ચોથી વખત ચેમ્પિયન ટ્રોફી પ્રાપ્ત કરી છે. રાજકોટ ટીમના ખેલાડીઓની તાલીમ, પ્રતિબદ્ધતા અને એકજૂટતા વિજય માટે મુખ્ય કારણ બની છે. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ટીમે સતત શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું . દરેક મેચમાં એકજૂટ થઈને ટીમે પ્રદર્શન કર્યું હતું. ટીમના ખેલાડીઓની એકતા અને રણનીતિની ચર્ચા સૌ કોઈ કરી રહ્યા છે. જીતે ન્યાયાલયના કર્મચારીઓ અને સમર્થકોમાં ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું છે. ટીમને આગામી વર્ષે પણ આ સફળતા જાળવી રાખવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.