લુકઆઉટ અને રેડ નોટીસ ઇસ્યુ થતાં અલગ અલગ દેશમાં ભાટકતો’તો : નેપાળથી બાઇરોડ આવી મિત્રના ઘરે રોકાતા એસએમસીએ દબોચી લીધો
Rajkot,તા.21
ગેરકાયદે અમેરિકા મોકલવાના કબૂતરબાજીના ગુનામાં બોબી પટેલના ભાગીદાર ઝાકીર ઉર્ફે રાજુને એસએમસીએ હૈદરાબાદથી ઝડપી લીધો છે. લુકઆઉટ અને રેડ નોટીસ ઇસ્યુ થયાં બાદ અલગ અલગ દેશોમાં ભાટકતો અને બાદમાં નેપાળથી બાય રોડ મુંબઈ અને ત્યાંથી હૈદરાબાદમાં રહેતા ઝાકીરને દબોચી લેવામાં આવ્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયના સીધા સુપરવિઝન હેઠળ ડીવાયએસપી કે ટી કામરીયાના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરના સોલા હાઇકોર્ટ પોલીસમાં દાખલ કબૂતરબાજીના ગુનાની તપાસ ચાલી રહી છે. જે ગુનામાં પોતાનો આર્થિક લાભ મેળવવા માટે ચોક્કસ ટોળકી અમેરિકા જવા ઇચ્છતા વ્યક્તિઓનો સંપર્ક કરી ખોટા અને બનાવટી પાસપોર્ટ દ્વારા અલગ અલગ દેશોના વિઝા મેળવવા માટેના બનાવટી દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી ભારત દેશ તેમજ અન્ય દેશની સરકાર સાથે છેતરપિંડી કરી અલગ અલગ દેશના વિઝા મેળવી પેસેન્જરને ખોટી ઓળખ ધારણ કરાવડાવી ગેરકાયદે અમેરિકા મોકલવાની કબૂતર બાજીની પ્રવૃત્તિમાં મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલ સાથે સંકળાયેલ એજન્ટ ઝાકીર ઉર્ફે રાજુભાઈ ઉર્ફે બાબુભાઈ ઉર્ફે સમીર કરીમ સૈત (રહે.મુંબઈ) નાસ્તો ફરતો હતો.
આરોપીના ભારતીય પાસપોર્ટના આધારે ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ, ગૃહ મંત્રાલય, ભારત સરકાર મારફત લુકઆઉટ સર્ક્યુલર અને ઇન્ટરપોલ દ્વારા રેડ નોટિસ કરાવવામાં આવી હતી. ઝાકીર હુર્ફે રાજુ સમીર કરીમ સૈત યુસુફ બક્ષી શેખ હૈદરાબાદ ખાતે હોવાની ટેકનીકલ તથા હ્યુમન રિસોર્સથી મળેલ માહિતી આધારે એસએમસીની એક ટીમને હૈદરાબાદ ખાતે મોકલવામાં આવી હતી. જ્યાં ફ્લેટ નંબર 1201, જય ભારી ધ સમીટ રેસીડેન્સી, નાના કરમઘોડા સર્વિસ રોડz નર્સિંગી વિસ્તાર હૈદરાબાદ ખાતેથી ઝાકીર મળી આવતા સ્ટેટ મોનેટરીંગ સેલની કચેરી ખાતે લઈ આવી ધરપકડ કરવામાં આવી હતી.
. વધુમાં આરોપીએ કેફીયત આપી હતી કે, તેના વિરુદ્ધ ગુનો દાખલ થતાં પોતે મુંબઈથી પેરિસ, ત્યાંથી પરત મુંબઈ, ફરી પેરિસ અને બાર્સોલોના, દુબઇ ખાતે જતો રહ્યો હતો. બાદમાં દુબઇથી નેપાળ થઇ બાય રોડ ગત તા. 03-10-2024ના રોજ મુંબઈ ખાતે આવી ત્યાંથી હૈદરાબાદ ખાતે મિત્રના ઘરે રહેતો હતો.
એસએમસીએ ઝાકીર પાસેથી મોબાઈલ અને આઇડી પ્રુફ સહિતના કાગળો કબ્જે કર્યા છે. આ ગુનામાં હાલ સુધીમાં 11 આરોપીઓનિ ધરપકડ થઇ ચુકી છે અને મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી પટેલ સહીત ત્રણ આરોપીઓ જ્યુડીશિયલ કસ્ટડીમાં છે.