Surendranagar,તા.24
પાટડી મેઈન બજારમાં કાપડની દુકાન ધરાવતા વેપારીની દુકાન પર આવી એક શખ્સે રૂપિયા માંગ્યા હતા જે આપવાની ના પાડતા વેપારીનું ધારીયા વડે ગળુ કાપી નાંખવાની તેમજ કાઉન્ટરમાં રાખેલ રૂપિયાની લુંટ કરવાના પ્રયાસો અંગે ભોગ બનનાર વેપારીએ એક વ્યક્તિ સામે પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
પાટડી શહેરમાં પોલીસની ધાક ઓસરી જતાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, દારૂ, જુગાર, ક્રિકેટ મેચ પર સટ્ટો રમવો સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ વધી રહી છે. ત્યારે આજે પાટડીમાં કાપડના વેપારીને બજાણાના શખ્સે હપ્તો માંગી મારી નાંખવાની ધમકી આપવાની ઘટના સામે આવી છે.
પાટડીની મેઈન બજારમાં રેડીમેઈડ કાપડની દુકાન ધરાવતા ફરિયાદી પુનિતકુમાર શંકરભાઈ પટેલ પોતાની દુકાને હતા. તે દરમિયાન બજાણા ગામે રહેતા દેવાભાઈ માનસંગભાઈ ઠાકોરે આવી દુકાન ચલાવી હોય તો રૂા.૫,૦૦૦નો હપ્તો આપવો પડશે તેમ જણાવી વેપારીને ગાળો આપી હતી.
વેપારીએ રૂપિયા આપવાની ના પાડી અને દેવાભાઈને જતા રહેવાનું જણાવતા હાથમાં ધારીયું લઈ ફરિયાદીનું ગળુ કાપી નાંખવાની ધમકી આપી હતી તેમજ દુકાનના કાઉન્ટરમાં રહેલ રોકડ રકમની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે ભોગ બનનાર વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.