Surendranagar,તા.24
દસાડા તાલુકાના પાડીવાળા ગામે અગાઉ થયેલ ઝઘડા બાબતનું મનદુઃખ રાખી ચાર શખ્સોએ એક શખ્સને ધારીયાના ઘા ઝીંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર શખ્સે ઝીંઝુવાડા પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
દસાડાના પાડીવાળા ગામે રહેતા ફરિયાદી લાલજીભાઈ કલાભાઈ ફતેપરાના ઘરમાં અંદાજે ચાર વર્ષ પહેલા ભીમાભાઈ કાનજીભાઈ ફતેપરા અને તેમની પત્ની કાળીબેન વચ્ચે ઝઘડો થયો હતો. કાળીબેન દોડીને બચવા માટે ફરિયાદીના ઘરમાં આવી ગયા હતા. ભીમાભાઈએ તે સમયે લાલજીભાઈના દિકરા અશ્વીન પર પત્નિ કાળીબેન સાથે આડા સબંધ હોવાનો આક્ષેપ કરી બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. જેનું મનદુઃખ રાખી ચાર શખસોએ એકસંપ થઈ લાલજીભાઈને ગાળો આપી લાકડી અને ધારીયા વડે હાથેપગે તેમજ માથાના ભાગે ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે લાલજીભાઈએ મનાભાઈ કાનજીભાઈ ફતેપરા, ભમાભાઈ કાનજીભાઈ ફતેપરા, અતુલભાઈ કાનજીભાઈ ફતેપરા અને પકાભાઈ ભુરજીભાઈ ફતેપરા (તમામ રહે.પાડીવાળા તા.દસાડા) સામે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.