Rajkot ,તા.24
રાજકોટમાં બે દિવસથી તાપમાનમાં વધારા સાથે ભીષણ ગરમી પડી રહી છે. આજે અને કાલે મામુલી રાહત રહેશે. પરંતુ તા.26 ને શનિવારથી ફરી પારો ઉંચકાવા સાથે હીટવેવની હાલત સર્જાવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ કહ્યું કે, ગત આગાહીમાં સુચવ્યા મુજબ તા.22-23 (મંગળવાર-બુધવાર) તાપમાન 43.5 ડીગ્રી સુધી પહોચી ગયુ હતું. ગઈકાલે રાજકોટનુ મહતમ તાપમાન 43.5 ડીગ્રી નોંધાયુ હતું તે નોર્મલ કરતા સાડા ત્રણ ડીગ્રી વધુ હતું.
રાજયમાં સૌથી વધુ 43.7 ડીગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયુ હતું તે નોર્મલ કરતા ચાર ડીગ્રી વધુ હતું. અમરેલીમાં 42.9 ડીગ્રી નોર્મલ કરતા ઉંચુ હતું. ગાંધીનગર તથા ડીસામાં 42.8 ડીગ્રી હતું તે નોર્મલથી ત્રણ ડીગ્રી વધુ હતું. અમદાવાદમાં 42.7 ડીગ્રી નોર્મલ કરતા અઢી ડીગ્રી વધુ તથા ભૂજમાં 43.3 ડીગ્રી નોર્મલ કરતા ચાર ડીગ્રી વધુ હતું.
તા.24 થી 30 એપ્રિલ સુધીની આગાહી કરતા અશોકભાઈ પટેલે કહ્યું કે તા.24-25 ના બે દિવસ સામાન્ય રાહત રહેશે અને પારો 42 થી 42.5 ડીગ્રીની રેન્જમાં રહેશે.જયારે તા.26 થી 30 એપ્રિલ દરમ્યાન હીટવેવનો માહોલ સર્જાવાની સંભાવના છે. તાપમાનનો પારો 43 થી 45 ડીગ્રીની રેન્જમાં રહેશે અને સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતનાં કેટલાંક સેન્ટરોમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.
આ રીતે મહિનાનાં અંતિમ દિવસે ભીષણ ગરમીનાં રહેવાની શકયતા છે. આગાહીનાં સમયગાળામાં પવન પશ્ચિમી દિશાના અને 10 થી 15 કીમીની ઝડપના હશે. ઝાટકાના પવનની ગતિ 20 થી 35 કીમીની રહી શકે છે.
બપોર પછી પવનનું જોર રહેશે આ સિવાય તા.26 થી 30 એપ્રિલમાં કચ્છ તથા પશ્ર્ચિમ સૌરાષ્ટ્રમાં સવારે ભેજનુ પ્રમાણ વધુ રહેશે અને ઝાકળબીંદુ સર્જાવાની શકયતા છે. આકાશ મોટાભાગે સ્વચ્છ રહેશે અને એક-બે દિવસ અમુક સમય થોડા વાદળો જોવા મળશે.