Gondal,તા.25
ગોંડલ તાલુકાના ચોરડી ગામે આવેલ વેર હાઉસમાંથી નાફેડની રૂ.૭.૪૯ લાખની મગફળીની ૨૮૭ બોરીની ચોરી થયા અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચોરીના બનાવને લઇ સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબીની ટીમે પણ તપાસ ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન તાલુકા પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે મગફળી ઉઠાવી જનાર ત્રિપુટીને 17 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધી છે.
ચોરીની ઘટનામાં પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ગુંદાળા ચોકડી પાસે રામકૃષ્ણ સોસાયટીમાં રહેતાં અરવીંદભાઈ રામકેશભાઈ મીણા (ઉ.વ.૩૦) એ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ તથા જસદણમા કેન્દ્રીય ભંડાર નીગમમાં સહાયક તરીકેના હોદા પર ફરજ બજાવે છે.તે પૈકી ચોરડી ગામે હરસિધ્ધી કેટરફીડ નામનુ ગોડાઉન કંપનીએ ૧૧ મહીનાના ભાડા પેટે રાખેલ છે. ગોડાઉનમા તા.૧૧/૦૨/ થી તા.૧૪/૦૨ દરમિયાન મગફળીની ખરીદી કરી ૩૫ કિલો વજનની કુલ મગફળીની બોરી નંગ- ૧૫૮૭૬ ભરેલ હતી. તા.૨૧/૦૪/૨૦૨૫ ના ફરિયાદીની કંપનીના સુપર વાઇઝર રવીભાઈ મકવાણાએ ફોન કરી જણાવેલ કે, ચોરડી ગામે આવેલ ગોડાઉનના દરવાજાના તાળુ તુટેલ છે અને બહાર મગફળી ઢોળાયેલ હોય તેવી જાણ કરતાં તેવો ગોડાઉન પર પહોંચેલ ત્યારે ત્યાં સીકયુરીટી સહિતનો સ્ટાફ હાજર હતો. તપાસ કરતા કુલ ત્રણેય સ્ટેગમાંથી મળીને ૨૮૭ મગફળીની બોરીઓની ચોરી થયેલાનું જણાયેલ આવેલ હતું. જે એક બોરીની કિંમત રૂ.૨૬૧૦ હોય છે. જેથી તા.૧૯ થી તા.૨૧ ના સવારના દરમ્યાન ચોરી થયેલ હોય જેથી કુલ રૂ.૭.૪૯ લાખની મગફળી ભરેલ બોરીઓની ચોરી થતાં ફરીયાદ નોંધાવી હતી.
તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે રહી અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા માટે જુદા જુદા કારખાના તેમજ રોડ રસ્તાના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. ઉપરાંત ગોડાઉનની નજીકમાં આવેલ કારખાનાના શ્રમિકો તેમજ રાહદારીઓની પૂછપરછ કરતા રાત્રીના સમયે બે આઇસર વાહનો ગોડાઉન તરફ જતા જોવા મળી આવ્યા હતા. બાદમાં આઇસરની આગળ મોટરસાયકલ લઈને ગોમટા ગામનો વિજય રાઠોડ જતો જોવા મળતા વિજય રાઠોડને પકડી પાડી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેણે ગોમટા ગામના દીપક વાસાણી તથા મયુર બગડા સાથે મળી બે આઇસર ભાડાથી મંગાવી મગફળીના ગોડાઉનમાંથી ચોરી કર્યાની કેફિયત આપી હતી. બાદમાં દિપક વાસાણીએ ગોમટા ગામની સીમમાં આવેલ વાડી ખાતે મગફળીનો જથ્થો છુપાવ્યાની હકીકત આપતા પોલીસની ટીમો ગોમટા ગામની સીમમાં દોડી ગઈ હતી અને 287 બોરી મગફળીનો જથ્થો કબજે કર્યો હતો.
પોલીસે વિજય મનસુખ રાઠોડ , દિપક ઉર્ફે ધીરુ વસંતભાઈ વાસાણી અને મયુર ઉર્ફે સુખો પોપટભાઈ બગડા ત્રણેય રહે. ગોમટા, ગોંડલ)ની ધરપકડ કરી હતી. જ્યારે ખોટી કેફીયત આપી આઇસર માલિક પાસેથી બે વાહન ભાડે મેળવી ચોરી માટે આપનાર ભીખાલાલ વ્રજલાલ અજમેરા (ઉ.વ.77 રહે, ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાછળ)ની શોધખોળ શરૂ કરવામાં આવી છે.