અલગ અલગ કર્મચારીઓ પાસેથી બુકીંગ અને ડાઉન પેમેન્ટ પેટે રૂ. 4.42 લાખ મેળવી કંપનીમાં ફક્ત રૂ. 55 હજાર જમા કરાવી બાકીના નાણાં ઉચાપત
Rajkot,તા.25
શહેરના કટારીયા ઓટોમોબાઈલ્સના સેલ્સ વિભાગના કર્મચારીએ અલગ અલગ ત્રણ ગ્રાહકો પાસેથી વાહનના બુકીંગ અને ડાઉન પેમેન્ટ પેટે રૂ. 4.42 લાખ મેળવી ફક્ત રૂ. 55 હજારની પાવતી બનાવી બાકીના રૂ. 3.87 લાખ અંગત ઉપયોગમાં વાપરી નાખી ઠગાઈ આચરતા તાલુકા પોલીસમાં કર્મચારી જય ડોડીયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
મામલામાં કટારીયા ઓટોમોબાઈલ્સ પ્રા.લી.ના જનરલ મેનેજર અનવરભાઈ ફારૂકભાઈ મીનીવાડીયા( ઉ.વ.૩૮ રહે. મહમદીબાગ, વાવડી ગામ નજીક, ગોંડલ રોડ રાજકોટ)એ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રોડ પર રહેતા જય અશોકભાઈ ડોડીયાનું નામ આપતાં જણાવ્યું હતું કે, તા.૦૬/૦૪/૨૦૨૫ ના રોજ અમારા શોરૂમમા અર્ટિગા સી.એન.જી. ફોર વ્હીલ ગાડીના ગ્રાહક દર્શનભાઈ દિલીપભાઇ જોગડીયા (રહે. વડ વાજડી, કાલાવડ રોડ)ને ફોન કરતા જણાવેલ કે હુ ગત તા. ૧૮/૦૩/૨૦૨૫ ના રોજ તમારી કંપનીના શોરૂમ ઉપર નવી ગાડી ખરીદ કરવા આવેલ હતો અને તમારી કંપનીના જયભાઇ ડોડીયાને મળેલ ત્યારે તેમણે મને અર્ટિગા ગાડીના બુકિંગ પેટેના રૂ.૪૫,૦૦૦ રોકડા આપેલ હતા. સાંજનો સમય હોવાથી કેશીયર શોરૂમ પરથી જતા રહેલ હોય જેથી જયભાઇએ દર્શનભાઇને બુકિંગ પેટેના રૂ.૪૫,૦૦૦ ની પાવતી બીજા દિવસે આપવાનું કહેલ હતું. ત્યારબાદ દર્શનભાઈ તા.૨૫/૦૩/૨૦૨૫ ના રોજ ફરીવાર શોરૂમ પર આવેલ અને અર્ટીગા ગાડીના ડાઉન પેમેન્ટ ના રૂ.૧,૪૭,૦૦૦ રોકડા જયભાઈને આપેલ હતા અર્ટીગા સી.એન.જી. બુકિંગ કરાવેલ કસ્ટમર રાહુલભાઈ બાલુભાઈ ભેસાણીયા ને ફોન કરતા જણાવેલ કે ડાઉનપેમેન્ટ પેટે આપેલ રૂ. 1.49 લાખ મેળવી પાવતી આપી ન હતી. ત્રીજા કસ્ટમર ચેતનભાઈ ધીરૂભાઈ વોરાને ફોન કરતા જણાવેલ કે, મારે બ્રેઝા ગાડી ખરીદ કરવાની હોય જયભાઇ ડોડીયાને હતો બુકીંગ પેટે રૂ. ૫૧,૦૦૦ રોકડા આપેલ હતા જેની સામે ફક્ત રૂ. 5 હજારની પાવતી આપેલી હતી. ત્રણેય કસ્ટમર પાસેથી કુલ રકમ રહે. 4.42 લાખ લિધેલ હતા જેમાથી રૂ.૫૫ હજારની પાવતી આપેલ હતી અને બાકીના રૂ. ૩.૮૭ લાખ અંગત ઉપયોગમાં વાપરી નાખ્યાનું જણાવ્યું હતું. મામલામાં કટારીયા ઓટોમોબાઇલ્સના જનરલ મેનેજરે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ઠગાઈની કલમો હેઠળ ગુનો નોંધી જય ડોડીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મામલાની તપાસ પીએસઆઈ એસ પી ચૌહાણ ચલાવી રહ્યા છે.