ગ્રાહકના સ્વાંગમાં આવેલ ગઠીયાની સીસીટીવીના આધારે શોધખોળ : કર્મચારી પણ શંકાના દાયરામાં
Rajkot,તા.26
સોરઠીયાવાડી સર્કલ નજીક આવેલ કપડાના દુકાનમાંથી ફક્ત બે મિનિટમાં ગઠિયો રૂ. 1.36 લાખની રોકડ ઉઠાવી ફરાર થઇ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગ્રાહકના સ્વાંગમા આવેલ ગઠિયો નાણાંની ઉઠાંતરી કરી જનારો શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે ત્યારે પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે ગઠીયાની શોધખોળ શરૂ કરી છે. જયારે શંકાના દાયરામાં રહેલ કર્મચારીની પણ પૂછપરછ કરવામાં આવી છે.
મામલામાં ઓમનગર સર્કલ નજીક ગિરનાર સોસાયટીમાં રહેતા 25 વર્ષીય યુવાન વિવેકભાઇ ભાબુભાઈ ઘેડીયાએ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,દુકાનના માલીક યશ કીશોરભાઈ આસવાની છે, દુકાનમાં મારી નીચે બીજા ત્રણ વ્યકતીઓ જેમા કરણ, કાર્તીક તથા રણવીર ઉર્ફે રાણો કામ કરે છે. વધુમાં યુવકે જણાવ્યું હતું કે, ગઈ તા. ૧૦/૦૪/૨૦૨૫ ના બપોરના ચાર વાગ્યા બાદ મારા મોટા ભાઈ મીત બાબુભાઇ ઘેડીયા દુકાને આવેલ હતા અને દુકાનના કેશ કાઉન્ટરમા તેણે તેના ધંધાના રૂ.૧.૩૫ લાખ મુકેલ હતા.
બાદ ગઈ તા. ૧૨/૦૪/૨૦૨૫ ના રોજ હનુમાન જંયતી હોવાથી જાહેર રાહદારીને ઠંડા પીણા પીવડાવવાનુ આયોજન અમે ગ્રુપ સર્કલમાં કરેલ હતુ. જેથી સવારના આઠ વાગ્યાથી હું પવનપુત્ર ચોક, સોરઠીયાવાડી સર્કલ ખાતે ગયેલ હતો. થોડીવાર બાદ મારો મોટો ભાઈ મીત પણ ત્યા આવેલ હતો. બાદમા બપોરના દોઢ વાગ્યે હું તથા મીત દુકાન ખાતે ગયેલ હતા અને કેશ કાઉન્ટરમા ચેક કરતા મીતએ ગઈ તા.૧૦/૦૪/૨૦૨૫ ના રોજ રાખેલ રૂ.૧.૩૫ લાખ મળી આવ્યા ન હતા. ઉપરાંત ઉપરના ખાનામાં દુકાનના ધંધાના 1800 રૂપિયા પણ મળી આવ્યા ન હતા. ઉપરાંત ચાવી પણ કેશ કાઉન્ટરના ખાનામા લગાડેલ હાલતમાં જોવા મળી હતી જેથી અમને ચોરી થયાની શંકા જતા દુકાનમા લગાવેલ સી.સી.ટી.વી કેમેરા ચકાસતા તા.૧૨/૦૪/૨૦૨૫ ના રોજ સવારે ૦૯/૩૦ થી ૦૯/૩૨ સુધીમાં એક અજાણી વ્યક્તિ ખાખી કલર જેવો સીક્યુરીટીનો યુનિફોર્મ પહેરી દુકાનમા કપડા લેવા આવે છે. તેણે માથે ટોપી પહેરેલ હતી અને મોઢે માસ્ક બાંધેલ હતું. ત્યા હાજર મારો માણસ રણવીર ઉર્ફે રાણો જીવરાજભાઈ પરમાર તેને દુકાનની અંદર રહેલ કપડાં સેલ્ફમા જોવાનુ કહે છે અને પોતે દુકાનની સાફ સફાઈ કરતો જોવામા આવે છે. તેમજ તે ગ્રાહક અંદર હોઈ છતાં રણવીર ઉર્ફે રાણો દુકાનની બહાર કચરો સાફ કરવા જાય છે. એટલામાં તે અજાણ્યો શખ્સ કેશ કાઉન્ટરમા લગાવેલ ચાવી ફેરવી ખાનુ ખોલી ઉપર-નીચે બંને ખાનામાથી મળી કુલ રૂ.૧,૩૬,૮૦૦ લઈ લીધાનું સીસીટીવીમાં જોવા મળ્યું હતું.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, રણવીર ઉર્ફે રાણા ઉપર પણ શંકા જતાં મે રણવીરને આ બનાવ બાબતે પૂછતા તે ગલ્લા તલ્લા કરતો હોઈ અને તે અજાણ્યા ગ્રાહકને ઓળખતો નથી તેમ જણાવ્યું હતું. જેથી યુવકે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી દુકાનમાં કામ કરતા રણવીર ઉર્ફે રાણાની શકમંદ તરીકે પૂછપરછ કરી અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે. મામલાની તપાસ હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ રાજપરા ચલાવી રહ્યા છે.