Ahmedabad,તા.૨૬
ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર લકોને ઓનલાઈન ગેમીંગ એપ્લિકેશનના કોઈન સસ્તા ભાવમાં આપવાની લોભામણી જાહેરાતો અને પોસ્ટ અપલોડ કરીને અલગ અલગ ૨૧ રાજ્યોના લોકો સાથે છેતરપીડી કરનારી ટોળકીને સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ સીઆઈડી ક્રાઈમ ગાંઘીનગરે ઝડપી લીધી છે.
આ કેસની વિગત મુજબ આરોપીએ પોતાના મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં બીજીએમઆઇ હેમીંગ એપ્લિકેશન નામથી અલગ અલ આઈડી બનાવીને બીજીએમઆઇ ગેમના યુસી કોઈન સસ્તા ભાવમાં ખરીદવા માંગતા લોકોને વેટ્સએપ એપ્લિકેશન મારફતે પોતાની બેન્કના ખાતાનો ઊઇ કોડ મોકલી આપતા હતા. બાદમાં યુસી કોઈન ખરીદવા માંગતા લોકો પાસેથી રૂપિયા પોતાના બેન્ક ખાતામાં મેળવી લઈને ગેમીંગ એપ્લિકેશનના આઈડીમાં શરૂઆતમાં થોડા કોઈન જમા કરાવતા હતા. બાદમાંભોગ બનનારના ગેમીંગ આઈડી પર રિપોર્ટ થયેલા હોવાનો ડર બતાવીને રિપોર્ટ હટાવવા માટે બીજા રૂપિયા ભરવા પડશે અને તે રિફંડેબલ છે તેમ કહીને પોતાના બેન્ક ખાતામાં રૂપિયા મેળવીને યુસી કોઈન કે રૂપિયા પરત નહી આપીને છેતરપિંડી કરતા હતા.આ કેસમાં પોલીસે શૈલેષ એચ. ચૌધરી, સેંધાભાઈ કે.ચૌધરી, જીતેન્દ્ર પી.ચૌધરી, સુરેશ આઈ.ચૌધરી, રાહુલ વી.ચૌધરી, નરસિંહ જે.ચૌધરી અને રાહુલ પી.ચૌધરીની ધરપકડ કરી હતી.
તમામ આરોપીઓ ૧૯થી ૨૧ વર્ષના હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઉપરાંત તમામ આરોપીઓ બનાસકાંઠાના રહેવાસી છે.તેમની પાસેથી પોલીસે ૧૩ મોબાઈલ, જુદી જુદી બેન્કની ૧૪ પાસબુક, ૪૦ ચેકબુક, જુદી જુદી બેન્કના ૮૮ ક્રેડિટ કાર્ડ અને રૂ. ૧,૫૦,૦૦૦ રોકડા કબજે કર્યા હતા.