ભગવતીપરા, રામનાથપરા, સોની બજાર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરી બાંગ્લાદેશી મહિલા-પુરુષોને પકડી લેવાયા
Rajkot
શહેર પોલીસે રાજકોટમાં ગેરકાયદે રહેતા કુલ 13 બાંગ્લાદેશીઓને ઝડપી લીધા છે. શુક્રવારે મોડી રાતથી એસઓજી, ડીસીબી, પીસીબી અને ઈઓડબ્લ્યુ સહીતની બ્રાન્ચોએ સ્થાનિક પોલીસને સાથે રાખી ભગવતીપરા, ગાંધીગ્રામ, રામનાથપરા, જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા અગાઉ 10 બાંગ્લાદેશીઓ મળી આવ્યા બાદ વધુ ત્રણને પકડી લેતા હાલ સુધી શહેરમાંથી કુલ 13 બાંગ્લાદેશીઓને ઝડપી લેવાયાનું સામે આવ્યું છે. શહેરના તમામ પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, ઈઓડબ્લ્યુ, એલસીબી દ્વારા તપાસ કરી 800થી વધુ લોકોને સર્ચ કરવામાં આવ્યા હતા. જેમાં 10 લોકો ગેરકાયદે રીતે બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરી ગુજરાતમાં અને રાજકોટમાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ વધુ લોકોનું સર્ચ શરૂ કરતા વધુ ત્રણ બાંગ્લાદેશી ઘૂસણખોરી કરી રાજકોટ આવ્યો હોવાનું સામે આવ્યું છે. એટલે કે કુલ 13 લોકોની પૂછપરછ કરી સરકારને રિપોર્ટ કરી ડિપોર્ટ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે.
બે દિવસના સર્ચ દરમિયાન ગેરકાયદે ઘૂસણખોરી મારફત ગુજરાતમાં આવેલા 13 બાંગ્લાદેશી રાજકોટમાં છેલ્લા દોઢ-બે વર્ષથી આવ્યા હોવાનું અને અહીંયા છૂટક મજૂરીકામ કરતા હોવાનું સામે આવ્યું છે તેમજ આ લોકો બાંગ્લાદેશથી જંગલ મારફત પશ્ચિમ બંગાળ અને ત્યાંથી દિલ્લી મુંબઈ થઇ ગુજરાતમાં આવ્યા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સર્ચ ઓપરેશન હજુ ચાલુ રહેશે અને જો કોઈ લોકો પાસે આ પ્રકારના શંકાસ્પદ લોકો અંગે માહિતી હોય તો પોલીસને આપવામાં આવે તે માટે અપીલ કરવામાં આવી છે.બાંગ્લાદેશીઓ પાસેથી મોબાઈલ ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે તેની કોલ ડિટેઈલ પણ કઢાવવામાં આવશે તેઓ કોની સાથે વાત કરતા હતા? સિમકાર્ડ કઢાવવા માટે ક્યા દસ્તાવેજી પુરાવા આપ્યા હતા તે સહિતની વિગતો પણ પૂછપરછ બાદ બહાર આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.