રૂ. 15.81 લાખના બિસ્કિટ લઇ કલાકમાં આરટીજીએસ કરી દઈશ કહી ભૂગર્ભમાં ઉતરી ગયો
Rajkot
શહેરના સોની બજારમાં દુકાન ધરાવતા વ્હોરા વેપારી પાસેથી બે સોનાના બિસ્કીટ લઈ ગઠિયો ફરાર થઈ જતાં રૂ.15.82 લાખની છેતરપીંડીની ફરિયાદ એ.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી. વેપારીની ઘરની બાજુમાં રહેતો યુસુફ કપાસીએ મોટા વેપારીની ઓળખ આપી, બાદમાં 100 ગ્રામના બિસ્કીટ લઈ એક કલાકમાં પેમેન્ટ આરટીજીએસ કરાવું છું કહીં ફોન બંધ કરી દિધો હતો.
બનાવ અંગે કુવાડવા રોડ પર રણછોડનગર શેરીમાં રહેતા હુશેનભાઇ સુલેમાનભાઈ જરીવાલા (ઉ.વ.37) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે યુસુફ જાકીર કપાસી (રહે. ડ્રિમ હોમ એપાર્ટમેન્ટ, રણછોડનગર શેરી નં.16/4 નો ખૂણો) નું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ સોનીબજાર, માંડવી ચોકમાં મોદી શેરીમાં જરીવાલા રીફાઇનરી નામથી દુકાન ચલાવી અહીં સોનું ચાંદી ગાળવાનુ કામ કરે છે. તેઓ અને તેના પિતા બંને દુકાન પર બેસે છે અને એક માણસ રાજુભાઈ કારીયા કામ કરે છે.તેઓ જ્યાં રહે છે ત્યાં બાજુમાં વર્ષોથી આરોપી યુસુફ કપાસી પણ રહે છે, જેથી તેને વર્ષોથી ઓળખે છે. આરોપી યુસુફને ફરિયાદી અને તેના પિતા મળતા ત્યારે પોતે મોટા વેપારી છે તેવી વાતો કરતો હતો.ગઇ તા. 15/10/2024 ના સાંજના સમયે ફરિયાદી તેમના કારીગર સાથે દુકાને હતાં ત્યારે યુસુફ દુકાને આવેલ અને કહેલ કે, મારે રોકાણ માટે બે સોનાના બિસ્કીટ લેવા છે, તમે મને અત્યારે બે 100 ગ્રામના બિસ્કીટ આપો, હું તમને એક કલાકમાં આરટીજીએસથી રૂપિયા તમારા ખાતામાં ટ્રાન્સફર કરી આપીશ, આ યુસુફ પોતે મોટો વેપારી હોય અને મોટો બીઝનેસ કરતો હોય તેવી અવારનવાર વાતો કરતા હોય જેથી તે રૂપિયા આપી દેશે તેવો વિશ્વાસ રાખી સો ગ્રામના ચોવીસ કેરેટના બે બિસ્કીટ રૂ. 15,81,998 ની કિંમતના આપેલ હતાં.
બાદમાં આરોપીએ ફરિયાદીની પેઢીની બેંકની ડિટેઇલ લીધેલ અને કહેલ કે, હું તમને રૂપીયા આરટીજીએસ કરી આપીશ તેમ જણાવેલ બાદ એક કલાક થવા છતા યુસુફએ કોઇ રૂપિયા ટ્રાન્સફર કરેલ ન હોવાથી તેને ફોન કરેલ તો, કહેલ કે, હમણા નાખી દઉં તેમ વાત કરેલ હતી. રાત્રીના આઠેક વાગ્યે યુસુફને ફોન કરતા તેઓનો ફોન બંધ આવતો હોય જેથી તેની ઘરે ગયેલ તો તેમનુ ઘર બંધ હતુ.
બાદમાં તેની રજપૂત પરામાં આવેલ એલ્યુમિનિયમ સેક્સન અને પ્લાયવુડની દુકાને ગયેલ તો ત્યાં પણ યુસુફ મળી આવેલ નહી જેથી તેઓની સાથે છેતરપીંડી કરેલ હોય તેવુ સામે આવતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ આદરી હતી.