Rajkot,તા.01
આર્કીટેકચરલ પેઢી પાસેથી જુદા જુદા ઈન્વોઈસથી માલની ખરીદી પેટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે આરોપીને છ માસની સાદી કેદની સજા અને રૂા.૫૧,૩૫૪ વળત૨ પેટે ચુકવવામાં કસુર કરે તો વધુ છ મહીનાની સજાનો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ આરોપી રાજેશભાઈ મીસ્ત્રીએ આર્કીટેકચરલ પેઢી પાસેથી જુદા જુદા ઈન્વોઈસથી માલ ખરીદ કર્યો હતો. જે અંગે આરોપીએ પેઢીના નામનો ચેક આપ્યો હતો. જે ચેક પેઢીના કર્મચારીએ પેઢીના ખાતામાં જમા કરાવતા તે ચેક ‘ ઈનસફીસ્યન્ટ ફંડ’ ના કારણે રીટર્ન થયો હતો. જેથી પેઢીએ આરોપીને નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ નીચે નોટીસ આપેલ હતી. તેમ છતાં આરોપીએ પેઢીની લેણી રકમ ભરપાઈ નહિ કરતા પેઢીએ તેમના કર્મચારી મારફત રાજકોટની ફોજદારી અદાલતમાં નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફોજદારી ફરીયાદ દાખલ કરી હતી. જે ફરીયાદમાં આરોપીને સમન્સ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. બાદમાં આરોપી તેમના વકીલ મારફત હાજર થયા હતા. આરોપી સામે કેસ ચાલી જતાં ફરીયાદી તરફે કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ અદાલતે આરોપીને છ માસની સાદી કેદની સજા અને રૂા.૫૧,૩૫૪ વળત૨ પેટે ચુકવવામાં કસુર કરે તો વધુ છ મહીનાની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરીયાદી તરફે રાજકોટના સિનિયર એડવોકેટ જી.આર. ઠાકર, ગાર્ગીબેન ઠાકર, જે.બી. રાઠોડ, મિલનભાઈ દુધાત્રા, કૃપાલ ઠાકર, જીંકલ રામાણી અને એ.જી. ઠાકર રોકાયા હતા.