લોઠડાં-ભાયાસર રોડ પર આવેલ દેવકી સ્ટીલ કોનમાંથી પાંચ ટન હેવી સ્ક્રેપની ચોરી
Rajkot,તા.01
શહેરની ભાગોળે આવેલ લોઠડાં-ભાયાસર રોડ સ્થિત દેવકી સ્ટીલ કોન નામના સ્ક્રેપના કારખાનામાંથી રૂ. 1.80 લાખનો આશરે પાંચ ટન સ્ક્રેપ ઉઠાવી કર્મચારી ફરાર થઇ ગયાનો બનાવ સામે આવ્યો છે. કારખાના માલિક ચાઈના ગયા હતા ત્યારે પાછળથી કર્મચારી કળા કરી જતાં આજીડેમ પોલીસમાં ચોરીની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. રેલનગરના શ્યામા સ્કાયલાઈન એપાર્ટમેન્ટમાં રહેતા 42 વર્ષીય વેપારી નીરજકુમાર મહેશકુમાર તન્નાએ આજીડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા. ૧૩/૦૪/૨૦૨૫ ના રોજ હું મારા કામથી ચાઈના ગયેલ હતો અને ગઈ તા. ૧૮/૦૪/૨૦૨૫ના અલીભાઈ ઉર્ફે જેનુભાઈ વશરામભાઈ વકાતરનો ફોન આવેલ કે આજે સવારે આઠ વાગ્યા આસપાસ હું આપણા કારખાને ગયેલ હતો ત્યારે કારખાનાનો દરવાજો ખુલ્લો હતો. અંદર કારખાનામાં ચેક કરતા લોખંડનો સ્ક્રેપ આશરે ચારથી પાંચ ટન જેટલો જોવામાં આવેલ નહીં. કારખાનામાં કેમેરા ચેક કરતા લાઈટ ન હોવાથી કેમેરા બંધ હતા અને આપણા કારખાનામાં કામ કરતા અને ત્યાં જ રહેતા રાહુલભાઈ તથા તેમના પત્ની પ્રિયાબેન હાજર મળેલ ન હતા અને રાહુલભાઈ બાબુભાઈ આકોલીયાને તેના મોબાઈલ નંબર ઉપર અવાર-નવાર ફોન કરતા તેનો ફોન બંધ આવેલ હતો તેમ વાત કરેલ હતી. બાદ હું ગઈ તા. ૨૨/૦૪/૨૦૨૫ના રોજ ચાઈનાથી પરત આવી ગયેલ હતો અને મે પણ રાહુલના મોબાઈલ નંબર ઉપર અવાર-નવાર ફોન કરતા તેનો મોબાઈલ ફોન બંધ આવતો હોય જેથી આ રાહુલભાઈ બાબુભાઈ આંકોલીયા જે મારા કારખાનામાં મજૂરીકામ કરતો હોય અને કારખાનામાં જ રહેતો હોય તે મારા કારખાનામાંથી લોખંડનો સ્ક્રેપ આશરે પાંચ ટન જેની આશરે કિમત રૂ. 1.80 લાખની ચોરી કરી ગયાની ફરિયાદ આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મામલામાં પોલીસે ગુનો નોંધી ગુનો નોંધી રાહુલ આંકોલીયાની શોધખોળ શરૂ કરી છે.