Junagadh,તા.01
જૂનાગઢના ઉપરકોટ પાછળ આવેલા ધારાગઢ વિસ્તારમાં સરકારી જમીન પર મકાન બની ગયાં હતાં. આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મકાન બનાવનાર આસામીઓને તંત્ર દ્વારા થોડા સમય પહેલાં નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં કોઈ આધારપુરાવા રજૂ થયા ન હતા. તંત્રએ આખરી નોટિસ આપી આજે આ સ્થળે બની ગયેલા પ૯ મકાનને બુલડોઝર વડે તોડી પાડી અંદાજે 50 કરોડની કિંમતની 14,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે સવારથી શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશ મોડે સુધી જારી રહી હતી. વર્ષોથી ગેરકાયદેસર રીતે મકાન બનાવી રહેતા આ પરિવારો હાલ ઘર વિહોણા બન્યા છે ત્યારે તંત્ર દ્વારા અત્યાર સુધી કેમ કોઈ કાર્યવાહી ન થઈ ? તે પણ એક સવાલ સર્જાયો છે.
આ અંગે કલેક્ટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું હતું કે, સિટી સર્વે નં. 1484 પર ગેરકાયદેસર રીતે મકાન બન્યા હતા. ત્યાં રહેતા પરિવારોને નિયમ મુજબ નોટિસ આપી સમય આપવામાં આવ્યો હતો તેમ છતાં તેમના દ્વારા કોઈ આધારપુરાવા રજુ થયા ન હતા તેથી આજે ચુસ્તબંદોબસ્ત વચ્ચે આ પ૯ મકાનોને તોડી પાડવા કાર્યવાહી કરવામાં આવી છે. આ મકાન દુર થતા અંદાજે 50 કરોડની કિંમતની 14,000 ચોરસ કિલોમીટર જગ્યા ખુલ્લી થશે.
પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પહેલા કલમ 61 મુજબ અને ત્યારબાદ 202ની નોટિસ આપવામાં આવી હતી. કોઈ આસામી દ્વારા આધારપુરાવા રજુ થયા ન હોવાથી આજે દબાણ દૂર કરવાની પ્રક્રિયા કરવામાં આવી છે. ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, દબાણ દૂર કરવા સમયે 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 30 પીએસઆઈ, 350 પોલીસ કર્મી સહિતના સુરક્ષા કર્મીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, શાંતિપૂર્ણ રીતે કામગીરી ચાલી રહી છે. તંત્ર દ્વારા આજે દબાણ હટાવ કાર્યવાહીથી પ૯ જેટલા પરિવારો ઘર વિહોણા થયા છે. તેઓનો દાવો છે કે, તેઓ વર્ષોથી આ સ્થળે રહે છે. સરકારી જમીન પર ગેરકાયદેસર મકાન બન્યા હતા તો વીજ કનેક્શન સહિતની સુવિધાઓ શા માટે આપી ? તેવો સવાલ કર્યો હતો.
ધારાગઢ વિસ્તારમાં આજે જે દબાણ હટાવ ઝુંબેશ કરવામાં આવી તેમાં બુટલેગર, એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા સહિતના 8થી 10 અસામાજીક તત્ત્વોના મકાન પણ હતા. તેના મકાન પણ આજે તોડી પાડવામાં આવ્યા છે. તંત્રની આ કાર્યવાહીથી સરકારી જમીન પર દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
શહેરના ઉપરકોટ પાછળના વિસ્તારમાં સિટી સર્વે કચેરીના સર્વે નં. 1484 માં છેલ્લા ઘણા સમયથી દબાણો ખડકાઈ ગયા હતા. અત્યાર સુધીમાં તંત્રએ ક્યારેય ધ્યાન આપ્યું ન હતું જેથી આ સર્વે નંબરમાં બે-બે ત્રણ-ત્રણ માળના પાકા મકાનો બની ગયા હતા. હાલમાં સરકાર દ્વારા સરકારી જમીન પરનું દબાણ દૂર કરવા માટે ઝુંબેશ ચાલી રહી છે તેના ભાગરૂપે જૂનાગઢના વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો હતો જ્યાં સરકારી જમીન પર મકાન હોવાનું સામે આવ્યા બાદ સિટી સર્વે કચેરી દ્વારા પ૯ જેટલા મકાનધારકોને નોટિસ આપી આધારપુરાવા રજુ કરવા જાણ કરવામાં આવી હતી. આમ છતાં કોઈ આસામી દ્વારા તંત્ર સમક્ષ આધારપુરાવા રજુ થયા ન હતા. ત્યારબાદ તંત્રએ આખરી નોટિસ આપ્યા બાદ પણ કોઈ આધારપુરાવા રજુ થયા ન હતા. આજે આ દબાણકર્તાઓને મકાન ખાલી કરવા જાણ કરવામાં આવી હતી.
આજે વહેલી સવારથી વહિવટી તંત્ર, પુરાતત્વ વિભાગ, મનપા, પીજીવીસીએલ સહિતના વિભાગોના અધિકારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 10 જેસીબી, ટ્રેક્ટર સહિતની મશીનરી દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સરકારી જમીન પર આધારપુરાવા વગર બની ગયેલા 59 જેટલા મકાનોને જેસીબી વડે તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી જે મોડે સુધી જારી રહી હતી.