New Delhi,તા.2
દેશભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાનપલ્ટાનો માહોલ સર્જાયો હોય તેમ આજે વ્હેલીસવારે પાટનગર દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ તથા કરા વરસ્યા હતા. તેજ પવન સાથે આંધી ફુંકાતા મકાનની છત-પતરા-હોર્ડીંગ ઉડયા હતા. વૃક્ષો થાંભલા ધરાશાયી થયા હતા. તોતીંગ ઝાડ મકાન પર પડતા ચાર લોકોના મોત નિપજયા હતા. વિમાન તથા રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
પાટનગર દિલ્હી તથા આસપાસના ક્ષેત્રોમાં અચાનક હવામાનપલ્ટા સાથે ભારે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સાથે વ્યાપક ખાનાખરાબી થઈ હતી. ભારે પવન સાથે આંધી-તોફાન ફુંકાયુ હતું. દ્વારકાના એક ગામમાં ટયુબવેલના રૂપ પર મોટુ ઝાડ ખાબકયુ હતું.
ત્યારે રૂમમાં ત્રણ સંતાનો સાથે સુતેલુ દંપતિ ભોગ બન્યુ હતું. ત્રણ સંતાનો તથા તેની માતા સહિત ચારના મોત નિપજયા હતા. જયારે તેનો પતિ ઘાયલ થયો હતો. ભારે વરસાદને કારણે ઠેકઠેકાણે જળબંબાકારની હાલત સર્જાતા વાહનોના અર્ધા પૈડા ડુબી ગયાનુ ચિત્ર ખડુ થયુ હતું.
હવામાન વિભાગ દ્વારા અગાઉ જ વરસાદની ચેતવણી આપવામાં આવી હતી અને હજુ વધુ વરસાદ તથા પવન ફુંકાવાની આગાહી સાથે રેડએલર્ટ ઘોષિત કરવામાં આવ્યુ હતું.
દિલ્હીમાં આજે વ્હેલી સવારથી ચોમાસા જેવો ભારે વરસાદ ખાબકવા સાથે 75 થી 80 કી.મી. સુધીની ઝડપે પવન પણ ફુંકાયો હતો જેને કારણે અનેક મકાનોના છાપરા ઉડયા હતા. સંખ્યાબંધ વૃક્ષો તથા થાંભલા જમીનદોસ્ત થઈ ગયા હતા.
અનેક ઘરોમાં કાચ પણ તૂટી ગયા હતા. દિલ્હી ઉપરાંત નોઈડા-ગાઝીયાબાદમાં પણ ભારે પવન સાથે વરસાદ ત્રાટકયો હતો. કેટલાક સ્થળોએ કરા પણ વરસ્યા હતા. પરિણામે કૃષિક્ષેત્રને વ્યાપક નુકશાનીની આશંકા વ્યક્ત થઈ રહી છે.
હવામાન વિભાગે દિલ્હી ઉપરાંત એનસીઆર હરીયાણા તથા પશ્ચિમી ઉતરપ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. યુપીના હાપુડ, ગાઝીયાબાદમાં પણ ભારે વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. ફરિદાબાદમાં વરસાદી પાણીના વાહન ફસાવાથી માંડીને કેટલીક દુર્ઘટના સર્જાઈ હતી.
ભારે વરસાદ વચ્ચે રેલ તથા હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ હતી. 100થી વધુ વિમાનોના સમયપત્રક ખોરવાયા હતા. 40 ફલાઈટોને ડાઈવર્ટ કરવામાં આવી હતી. એરપોર્ટ દ્વારા પ્રવાસીઓ માટે માર્ગદર્શિકા પણ જારી કરી હતી. ઠેકઠેકાણે જળબંબાકારથી અનેક ભાગોમાં વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.