Jammu and Kashmir,તા.02
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ આપ્યો હતો. હવે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારુક અબ્દુલ્લાએ સરકારના આ આદેશ પર વાંધો ઊઠાવ્યો છે. તેમણે કેન્દ્ર સરકારના આ નિર્ણયની ટીકા કરી અને તેને અમાનવીય અને માનવતા વિરુદ્ધ ગણાવ્યો. ખાસ કરીને એવા કિસ્સાઓમાં જ્યાં લોકો દાયકાઓથી ભારતમાં શાંતિથી રહી રહ્યા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર પણ ચિંતા વ્યક્ત કરતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, ‘આપણે જાણતા નથી કે કાલે શું થશે. આજે બે દેશો લડવા માટે તૈયાર થઈ રહ્યા છે. આપણે પ્રયાસ કરવો પડશે કે આવું ન થાય અને આતંકી અને આ હુમલા પાછળ રહેલા લોકોને પકડવાનો સીધો રસ્તો શોધવો પડશે.’
ઉલ્લેખનીય છે કે, 24મી એપ્રિલે સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકો માટે એક માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. જેમાં છ દિવસમાં લગભગ 700થી વધુ પાકિસ્તાની નાગરિકો અટારી-વાઘા સરહદ દ્વારા ભારત છોડી ગયા છે. આ દરમિયાન લગભગ 1376 ભારતીય નાગરિકો પણ પાકિસ્તાનથી તેમના દેશમાં પાછા ફર્યા છે. જો કે, હવે પાકિસ્તાન તરફથી સરહદ બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે ઘણાં નાગરિકો સરહદ પર અટવાઈ ગયા છે. હાલમાં 70 પાકિસ્તાની નાગરિકો અટારી બોર્ડર પર બેઠા છે.
પત્રકારો સાથેની વાતચીતમાં નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલું આ પગલું સારું નથી. આ માનવતા વિરુદ્ધ છે. ઘણાં લોકો એવા છે જે 70 કે 25 વર્ષથી અહીં રહી રહ્યા છે, તેમના બાળકો અહીં છે, તેમણે ક્યારેય ભારતને નુકસાન પહોંચાડ્યું નથી. તેઓ હંમેશા સારા નાગરિક રહ્યા છે, તેમણે પોતે જ પોતાને ભારતને સમર્પિત કર્યા છે, આવી સ્થિતિમાં તેમને પાછા મોકલવા યોગ્ય નથી.’