Bhavnagar,તા.03
આગામી રવિવારે રાજ્યભરમાં લેવાનાર નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)ની પરીક્ષાને લઈ અમદાવાદ કેન્દ્ર હોય તેવા પરીક્ષાર્થીઓ માટે ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા ત્રણ એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે.
ભાવનગર, અમદાવાદ અને રાજ્યના અન્ય શહેરોમાં તા.૪-૫ને રવિવારે નીટની પરીક્ષા લેવામાં આવશે. જેમાં ભાવનગરમાંથી પણ અનેક વિદ્યાર્થીઓને અમદાવાદ કેન્દ્ર ફાળવવામાં આવ્યું હોય, જેથી આવા પરીક્ષાર્થીઓની સુવિધા માટે ભાવનગર એસ.ટી. ડેપો દ્વારા અમદાવાદ જવા માટે ત્રણ વધારાની સ્પેશિયલ ટ્રીપનું આયોજન કરાયું છે. રવિવારે વહેલી સવારે ૪થી ૪-૩૦ વાગ્યા વચ્ચે ભાવનગર ડેપોમાંથી અમદાવાદ માટેની ત્રણ એકસ્ટ્રા બસ દોડાવાશે તેમ એસ.ટી.ના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.