એક્શન-કોમેડીમાં યાદગાર પરફોર્મન્સ આપનારી અક્ષય-સૈફની બેલડીએ આ વખતે થ્રિલર પર હાથ અજમાવવાનું વિચાર્યું છે
Mumbai, તા.૩
અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની કરિયર લગભગ સમાન સમયમાં શરૂ થઈ હતી. અક્ષય અને સૈફે સાથે મળીને એક્શન-કોમેડીથી ભરપૂર ફિલ્મો આપી હતી અને ઓડિયન્સને પણ ખૂબ પસંદ આવી હતી. ૧૯૯૪માં ‘મૈં ખિલાડી તુ અનાડી’ ફિલ્મ સાથે આ જોડીએ ધમાકેદાર શરૂઆત કરી હતી અને બાદમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. છેલ્લે તેઓ વર્ષ ૨૦૦૮માં ‘ટશન’માં સાથે જોવા મળ્યા હતા. ૧૭ વર્ષ બાદ ફરી તેઓ કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે.એક્શન-કોમેડીમાં યાદગાર પરફોર્મન્સ આપનારી અક્ષય-સૈફની બેલડીએ આ વખતે થ્રિલર પર હાથ અજમાવવાનું વિચાર્યું છે. જાણીતા ડાયરેક્ટર પ્રિયદર્શને થ્રિલર સ્ક્રિપ્ટ ફાઈનલ કરી છે. તેમણે આ ફિલ્મમાં અક્ષય અને સૈફની જોડીને ફરી અજમાવવાનું વિચાર્યું હતું. એકબીજા સાથે કામ કરવાની મજા આવતી હોવાનું અક્ષય અને સૈફ બંનેએ ઘણી વખત સ્વીકારેલું છે. તેઓ એકબીજાના પ્રશંસક પણ રહ્યા છે. આમ, પહેલેથી જ આ બંને સ્ટાર્સ વચ્ચે સારા સંબંધો રહ્યા છે. પ્રિયદર્શને આગામી ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી ત્યારે બંનેએ એક ઝાટકે તૈયારી બતાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રિયદર્શનની આગામી ફિલ્મ થ્રિલર એન્ટરટેઈનર રહેવાની છે. બદલાયેલા સમય અને ટેકનોલોજી સાથે તેઓ અપડેટેડ ફિલ્મ બનાવવા માગે છે અને ઓડિયન્સ મોઢામાં આંગળા નાખી જાય તેવી ફિલ્મ બનાવવાની પ્રિયદર્શનની ઈચ્છા છે. ફિલ્મનું નામ હજુ જાહેર થયું નથી, પરંતુ તેને ઓગસ્ટ ૨૦૨૬માં રિલીઝ કરવાનું આયોજન છે. અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની બે ફિલ્મો ૧૯૯૪માં રિલીઝ થઈ હતી. જેમાં ‘મૈં ખિલાડી તુ અનાડી’ અને ‘યેહ દિલ્લગી’નો સમાવેશ થાય છે. ત્યારબાદ ૧૯૯૬માં ‘તુ ચોર મૈં સિપાહી’ અને ૧૯૯૮માં ‘કિમત’ આવી હતી. ૧૦ વર્ષ બાદ તેમની ‘ટશન’ આવી હતી. હવે વર્ષો બાદ પ્રિયદર્શનની ફિલ્મમાં તેઓ સાથે કામ કરવાના છે. પ્રિયદર્શને અગાઉ ઘણી વાર અક્ષય કુમારને પોતાનો માનીતો એક્ટર કહ્યો છે. જો કે ૧૪ વર્ષના ગેપ પછી તેઓ ‘ભૂત બંગલા’માં સાથે કામ કરી રહ્યા છે. ‘હેરાફેરી ૩’માં પણ એક્ટર-ડાયરેક્ટરની આ જોડી કમાલ કરી રહી છે. જાન્યુઆરી મહિનાથી ‘હેરાફેરી ૩’નું શૂટિંગ શરૂ થયું છે. આમ, અક્ષય અને પ્રિયદર્શન સાથે કામ કરી રહ્યા હોય તેવી ત્રણ ફિલ્મો હાલ પાઈપલાઈનમાં છે.