જમીનનું કૌભાંડ કરી બોગસ દસ્તાવેજો ધાબડી દઈ રૂ.1.90 કરોડ ની ઠગાઈ કરી તી
Rajkot,તા.04
શહેરના રૈયા રોડ પર આવેલા તિરુપતિનગરમાં રહેતા ફરસાણના વેપારી સાથે જમીનના સોદામાં રૂ.1.90 કરોડની છેતરપિંડીના ગુનામાં કેસમાં કોર્ટે બે આરોપીએ ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી ફગાવી દીધી છે.
આ કેસની હકીકત મુજબ શહેરના રૈયા રોડ પર આવેલ તિરૂપતિનગરમાં રહેતા અને જમીન લે વેચનો ધંધો કરતા ફરસાણ વેપારી ભુપતભાઈ ગોવિંદભાઈ ઠુંમરે વર્ષ ૨૦૨૩માં મિત્ર મારફતે જમીન સોદા દરમિયાન પરિચયમાં આવેલા મનીષભાઈએ અઠવાડિયા પછી ભુપતભાઈ ઠુંમરની દુકાને જઇ ઘંટેશ્વર ખાતે પાંચ એકર જમીન મિત્ર શૈલેષભાઈના મામા ઘુસાભાઇ સીતાપરાની છે. આ જમીન ખરીદવા માટે ભુપતભાઈએ તૈયારી દેખાડેલી હતી. પાંચ એકર જમીન રૂ.૩૦ કરોડમા ખરીદવાનું નક્કી કર્યું હતું. રૂપિયા ફરિયાદીએ દોઢ વર્ષમાં પુરા કરવાનું અને સાટાખત વખતે બે કરોડ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. તા.૧૩/૦૯/૨૦૨૩ ના રોજ સાટાખત કરવા માટે એડવોકેટની ઓફિસે ગયા હતા ત્યાં ફરિયાદી તેના જમાઈ પ્રીતેશભાઈ અને મિત્ર મોહસીનભાઈ ગયા હતા અને સામાપક્ષે મનીષભાઈ, શૈલેષભાઈ, રવિભાઈ વાઘેલા તેમજ જમીન માલિક તરીકે ઘૂસાભાઈ સીતાપરા ગયા હતા. ઘુસાભાઈને બદલે અને વ્યક્તિના ખોટા આધારકાર્ડ અને પાન કાર્ડ રજૂ કરી નોટરાઈઝ સાટાખત કરી આપ્યો હતો. ફરિયાદી દ્વારા આરોપીઓને કુલ રૂ.1.90 કરોડ ચૂકવી દીધા હતા. ભુપતભાઈ ઠુંમર તેમના મિત્ર મયુરભાઈની ઓફિસે હતા ત્યારે નરેન્દ્રસિંહ નામની પરિચિતને ઘંટેશ્વરમાં ઘૂસાભાઈ સીતાપરાની જમીન ખરીદ કર્યાના સાટાખત દેખાડતા નરેન્દ્રસિંહે ફોટા વાળી વ્યક્તિ ઘુસાભાઇ સીતાપરા નહિ હોવાનું જણાવતા ભુપતભાઈ ઠુંમરે તપાસ કરતા છેતરપિંડી થયાનું જાણવા મળ્યું હતું. આ અંગે ભુપતભાઈ ઠુંમર દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીઓની અટક કરવામાં આવી હતી. જેલ હવાલે રહેલા આરોપીદામજી જાદવજી કુબેર અને રવિ જેરામ વાઘેલા દ્વારા ચાર્જશીટ બાદ જામીન મુક્ત થવા સેશનસ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે અરજી ચાલવા ઉપર આવતા સરકારી વકીલ અને ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો ગ્રાહ્ય રાખી સેસન્સ કોર્ટ દ્વારા બંને આરોપીની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ પરાગ શાહ અને અતુલ જોષી તેમજ ફરીયાદી વતી એડવોકેટ રણજીતભાઈ એમ. પટગીર, સાહિસ્તાબેન એસ. ખોખર, મીતેશ એચ. ચાનપુરા અને પ્રહલાદસિંહ ઝાલા રોકાયા હતા.