તું કેમ પોલીસને અમારી બાતમી આપે છે કહી ફોર વ્હીલમાં ધસી આવેલ પાડોશી સહીત ત્રણ શખ્સોંએ ખાણીપીણીનાં ધંધાર્થીને છરીનાં બે ઘા ઝીંકી દીધા
Rajkot,તા.04
શહેરની ભાગોળે આવેલ કુવાડવા ગામે રહેતા 22 વર્ષીય ખાણીપીણીનાં ધંધાર્થી પર ત્રિપુટીએ છરી વડે હુમલો કરી બે ઘા ઝીંકી દીધાનો બનાવ સામે આવ્યો છે. ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ પાડોશીઓ બંધુની બાતમી ભોગ બનનાર યુવક આપતો હોય તેવી આશંકાએ હુમલો કર્યાનો બનાવ કુવાડવા પોલીસનાં દફ્તરે નોંધાયો છે.
મામલામાં શહેરની ભાગોળે આવેલ કુવાડવા ગામે રહેતા અને અટલ સરોવર ખાતે ખાણીપીણીનો વ્યવસાય કરતા 22 વર્ષીય યુવાન અશોકભાઇ ચમનભાઈ મકવાણાએ કુવાડવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા નીતિન નાથાભાઈ લઢેર, દશરથ નાથાભાઈ લઢેર અને માલીયાસણનાં દિપક લઢેરનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના આશરે ચાર વાગ્યે હુ મારા રાજકોટ સ્થિત અટલ સરોવરે ખાણીપીણીના સ્ટોલે જવા માટે ઘરેથી મારૂ મોટરસાયકલ જેના નંબર જીજે-03-એનએલ-9939 લઈને નીકળ્યો હતો. બાદમાં ઘર નજીક આવેલ સીતારામ પાનનાં ગલ્લે ફાકી ખાવા ઉભો રહેલ હતો. ત્યારે કાર મારી પાસે આવીને ઉભી રહેલ હતી. નિતીન અને દશરથે તેના પેન્ટના નેફા માથી છરી કાઢી મને મારવા જતા હું ત્યાથી ખસી ગયેલ હતો જેના લીધે મને ડાબા હાથની કોણી પર તથા પીઠના પાછળ ભાગે છરકા લાગી ગયેલ હતા. વધુ મારના બીકથી દોડીને હું તરત જ મારા ઘરની અંદર જતો રહેલ હતો અને ઘરની ડેલી અંદરથી બંધ કરી દીધેલ હતી. આ વખતે ત્રણેય શખ્સોં કહેતા હતા કે, આજે તો બચી ગયો છે પરંતુ હવે જો પોલીસને અમારી બાતમી આપીશ તો તને જાનથી મારી નાંખીશુ તેમ કહી ત્રણેય કાર લઈને જતા રહેલ હતા.
વધુમાં ફરિયાદીએ હુમલા પાછળનું કારણ આપતાં જણાવ્યું હતું કે, નીતીન તથા દશરથ લઢેર મારા પાડોશી હોય બંને જણા ગુનાહીત પ્રવુતી સાથે સંકળાયેલા હોય અને તેની બાતમી હુ પોલીસને આપુ છુ તેવી શંકા રાખીને મારી સાથે મારામારી કરેલ હતી. મામલામાં યુવકની ફરિયાદ પરથી ગુનો નોંધી કુવાડવા પોલીસે હુમલાખોર ત્રિપુટીની શોધખોળ શરૂ કરી છે.