પાંચ વ્યાજંકવાદીઓએ રૂ. 8 લાખનું 10% વ્યાજ વસુલ્યું, કાર પડાવી લીધી
Rajkot,તા.04
શહેરમાં વ્યાજંકવાદી બેફામ બન્યાં છે, ત્યારે વ્યાજખોરોના ત્રાસથી પરસાણાનગરના મોબાઈલના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્ર. નગર પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વ્યાજખોરોની શોધખોળ આદરી હતી.
બનાવ અંગે જામનગર રોડ પરસાણા નગર શેરી નં. ૨ માં રહેતાં ભાવીનભાઇ ઘનશ્યામભાઈ ધરમાણી (ઉવ.૨૩) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે
ધર્મેશ ગોસ્વામી, સદામ દલવાણી, કિર્તિરાજ, હરેશ પારવાણી અને સલમાન વિકિયાણીનું નામ આપતાં પ્ર. નગર પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધૂમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓને જંકશન રોડ પર શક્તિ મોબાઈલની દુકાન આવેલ છે.
ગઈકાલે તેઓ શક્તિ મોબાઇલની દુકાન પર હતાં ત્યારે તે પોતાની જાતે ઝેરી જંતુનાશક દવા એકાદ ઢાંકણુ જેટલી દવા પી લીધેલ છે. તેને ચાલીસ દિવસ અગાઉ ધર્મેશ ગૌસ્વામી પાસેથી (ડાયરી વ્યાજે ) ભાઈબંધો વરુણ અને મોહિતના નામે રૂ.૫૦-૫૦ હજાર તેમજ આકાશના નામે રૂ.૪૦ હજાર અને પોતાના નામે અલગથી વ્યાજે રૂ.૫૦ હજાર જેમના રોજનો રૂ.૧ હજારનો હપ્તો ભરવાનો એમ કુલ રૂ.૧.૯૦ લાખ વ્યાજે લીધેલ હતા. તેમજ બે અઢી માસ અગાઉ સદામ દલવાણી પાસેથી મિત્ર રાહુલના નામે રૂ.૪૦ હજાર, આકાશના નામે રૂ.૮૦ હજાર, પોતાના નામે રૂ.૫૦ હજાર 10 ટકા લેખે કુલ રૂ.૧.૭૦ લાખ વ્યાજે લીધેલ તેમજ કિર્તીરાજ પાસેથી સાત મહીના અગાઉ ૨ લાખ રૂપીયા 10 ટકા વ્યાજે લીધેલ છે. તેમજ ફુલછાબ ચોક વાળા હરેશ પારવાણી પાસેથી ચારેક મહિના અગાઉ રૂ.૧.૫૦ લાખ ડાયરી વ્યાજ મુજબ લીધેલ અને તેમાંથી રૂ.૫૦ હજાર જેટલા ચુકવેલ છે.
તેમજ સલમાન વીકીયાણી પાસેથી એક મહિના અગાઉ (ડાયરી વ્યાજે) મિત્ર મોહિતના નામે રૂ.૫૦ હજાર, પોતાના નામે રૂ.૫૦ હજાર મળી કુલ રૂ.૧ લાખ વ્યાજે લીધેલ હતા. જેમાંથી રૂ.૬૦ હજાર ચુકવી દીધેલ છે. તેમના પર આશરે ૯ થી ૧૦ લાખ રૂપીયાનું દેણું છે.
જેથી આરોપીઓ છેલ્લા એકાદ અઠવાડીયાથી વ્યાજના પૈસા બાબતે હેરાન કરતા કંટાળીને પોતાની મોબાઇલની દુકાને ઝેરી જંતુનાશક દવા (મોનોકોટો) પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેમને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર. નગર પોલીસની ટીમે ગુનો નોંધી વ્યાજખોર આરોપીને પકડવા તજવીજ આદરી હતી.