Surendranagar,તા.05
દિલ્હીના નોઈડા ખાતે રહેતી પાકિસ્તાની સીમા હૈદર પર તાજેતરમાં એક યુવક દ્વારા હુમલાનો ચકચારી બનાવ બન્યો હતો. જેની તપાસ દરમ્યાન હુમલો કરનાર યુવક સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રહેતો હોવાનુું બહાર આવ્યું હતું અને નોઈડા પોલીસે સ્થળ પરથી જ હુમલો કરનાર યુવકને ઝડપી પાડી વધુ તપાસ હાથધરી હતી. સુરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસે હુમલો કરનાર યુવકના રહેણાંક મકાન ખાતે જઈ તપાસ હાથધરી હતી.સીમા હૈદરે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હુુમલો કરનાર સુરેન્દ્રનગરના યુવક તેજસ જાનીને ઝડપી પાડયો હતો અને કસ્ટડીમાં લઈ તપાસ હાથ ધરી હતી. પુછપરછ કરતાં યુવકે સીમા હૈદરે તેના પર કાળુ જાદુ કર્યો હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક એસપીના જણાવ્યા મુજબ હુમલો કરનાર યુવક માનસીક રીતે અસ્થિર હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે સુરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસ સ્ટાફ ટી.બી.હોસ્પીટલ પાછળ ઓમ નગર વિસ્તારમાં રહેતા અને હુમલો કરનાર યુવક તેજસ જાનીના ઘરે તપાસ અર્થે પહોંચ્યા હતા પરંતુ યુવકના ઘેર તાળું મારેલું હતું. પ્રાથમિક તપાસ તેમજ આસપાસના લોકોના જણાવ્યા મુજબ છેલ્લા ૧૦ વર્ષ કરતા પણ વધુ સમયથી યુવક આ વિસ્તારમાં રહેતો હતો અને તેના માતા-પિતાનું અવસાન થઈ ગયું હોય ઘરે એકલો રહેતો હોવાનું અને માનસીક રીતે અસ્થિર હોવાનું તેમજ બે-ત્રણ દિવસથી ઘરેથી ગુમ થયો હોવાનું પણ જણાવ્યું હતું.
દિલ્હીના નોઈડા ખાતે રહેતી પાકિસ્તાની સીમા હૈદર સાથે સુરેન્દ્રનગરના ટી.બી.હોસ્પીટલ પાછળના વિસ્તારમાં રહેતા યુવક તેજસ જયેન્દ્રભાઈ જાનીની સોશ્યલ મીડિયા થકી સંપર્કમાં આવ્યા અને બંનેએ મળવાનું નક્કી કર્યું હતું. સીમા હૈદરને મળવા માટે યુવક નોઈડાના રાબુપુરા વિસ્તારમાં તેના ઘરે પહોંચ્યો હતો. જ્યાં યુવકે તેના ઘરના દરવાજાને પાટુ મારી અંદર ઘુસ્યો હતો અને સીમા હૈદરનું ગળું દબાવી ત્રણથી ચાર ઝાપટ મારી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.