૮ લાખ વળતર બે માસમાં ન ચૂકવે તો વધુ છ માસની સજા
Rajkot,તા.05
શહેરના રહેતા યુવાને મિત્રતાના દાવે લીધેલા રૂ.૮ લાખની ચુકવણી માટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે આરોપીને દોઢ વર્ષની સાદી કેદની સજા અને રૂા.૮ લાખ વળતર પેટે બે માસમાં ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે.આ કેસની હકીકત મુજબ ફરિયાદી વનરાજભાઈ પરબતભાઈ કેશવાલાએ પોતાના મિત્ર વિજયભાઈ ગંગાભાઈ કેશવાલાને મિત્રતાના સંબંધે હાથ ઉછીના રૂ.૮ લાખ આપ્યા હતા. આરોપી વિજયભાઈ કેશવાલાએ ચુકવણી પેટે આપેલો ચેક “ફન્ડ ઈનસફીસીયન્ટ” ના શેરા સાથે પરત ફર્યો હતો. જે અંગે ફરિયાદી વનરાજભાઈ કેશવાલાએ તેમના એડવોકેટ મારફત પાઠવેલી નોટીસ બજી જવા છતા આરોપી વિજયભાઈ કેશવાલાએ લેણી રકમ નહિ ચુકવતા ફરિયાદી વનરાજભાઈ કેશવાલાએ રાજકોટ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલી જતાં બંને પક્ષોની રજુઆત બાદ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપીને દોઢ વર્ષની સાદી કેદની સજા અને રૂા.૮ લાખ ફરિયાદી વનરાજભાઈ કેશવાલાને વળતર પેટે બે માસમાં ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે.આ કેસમાં ફરીયાદી વતી ધારાશાસ્ત્રી મુકેશ આર. ભટ્ટી તેમજ સહાયક તરીકે રાજ એમ. ભટ્ટી, ઉદીત અને ધીગ્માંશુ એમ. ભટ્ટી રોકાયા હતા.