Rajkot,તા.6
અપર એર સાયકલોનિક ર્સ્કયુલેશનની અસર હેઠળ સમગ્ર રાજયની સાથે રાજકોટ શહેરમાં પણ ગઈ કાલ બપોરથી હવામાન પલ્ટાયું હતું.અને ભયંકર ગાજવિજ તથા વિજળીનાં કડાકા-ભડાકા અને વાવાઝોડા જેવા પવન વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો.
ગત બપોરે જોરદાર ઝાપટા બાદ રાત્રીનાં 11 થી 12 વચ્ચે તેમજ પવનનાં સુસવાટા અને ભયાનક ગાજવિજ સાથે વરસાદ ત્રાટકયો હતો. સ્થાનિક હવામાન વિભાગ અનુસાર શહેરમાં ગઈકાલે 16.4 મી.મી. અને ફાયર બ્રિગેડ મુજબ ઈસ્ટઝોનમાં 12 વેસ્ટઝોનમાં 11 મી.મી. અને સેન્ટ્રલ ઝોનમાં માત્ર 2.5 મી.મી.વરસાદ પડયો હતો.
એકંદરે રાજકોટમાં ગઈકાલે પોણોઈંચ જેટલા વરસાદથી રાજમાર્ગો ઉપરથી પાણી વહી ગયા હતાં. અને ઠંડક પ્રસરી ગઈ હતી. જયારે, ગતરાત્રીનાં તોફાની વરસાદમાં શ્રોફરોડ અને સરદાર નગર મેઈન રોડ ઉપર-બે વૃક્ષો અને બોર્ડ બેનર જમીન દોસ્ત થઈ ગયા હતાં.દરમ્યાન આજરોજ પણ રાજકોટમાં સવારથી ધુંપ,છાંવ ભર્યુ વાતાવરણ રહેવા પામ્યુ હતું.અને તાપમાનમાં રાહત રહી હતી.
દરમ્યાન હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજકોટમાં આજે ઓરેન્જએલર્ટ વચ્ચે બપોરબાદ સાંજે અથવા રાત્રીનાં ગાજવિજ અને કરા સાથે વરસાદની આગાહી છે આ પ્રકારનો તોફાની વરસાદ આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ પડશે.તેવું હવામાન વિભાગે જણાવેલ હતું.
વધુમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ આગામી ચાર દિવસ બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વરસાદની સંભાવનાને પગલે આગામી ચાર દિવસ તાપમાનમાં 3-5 ડિગ્રીનો ઘટાડો થાની સંભાવના છે.
6 થી 9 મે : પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, વડોદરા, નર્મદા ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, બોટાદ, દીવમાં ગાજવિજ સાથે વરસાદ પડશે.
આગામી 3 દિવસ માટે ક્યાં છે ઓરેન્જ એલર્ટ?
► 6 મે: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ
► 7 મે: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ
► 8 મે: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.