ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા ભગવતીપરાના ૧૭ વર્ષીય સગીરે પોતાના ઘરે બે વખત દેહ અભડાવ્યો
Rajkot,તા.08
શહેરના કોઠારીયા મેઈન રોડ પર આવેલ સિંદૂરીયા ખાણ વિસ્તારની ૧૩ વર્ષની તરૂણી પર ભગવતીપરાના ૧૭ વર્ષીય સગીરે બે વખત દુષ્કર્મ આચરતાં ચકચાર મચી ગઇ હતી. જે અંગે તરૂણીના પરિવારને જાણ થતાં પોલીસ મથકે દોડી ગયાં હતાં અને પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને અટકમાં લેવાં તજવીજ આદરી હતી. પોલીસ સુત્રોમાંથી મળેલ વિગત મુજબ, કોઠારીયા મેઈન રોડ પર આવેલ સિંદૂરીયા ખાણ વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની સગીરા મોબાઈલ વાપરતી હોય અને તેને ઈન્સ્ટાગ્રામ થકી ભગવતીપરાના સગીર સાથે પરિચય થયો હતો અને બંને એકબીજા સાથે વાતચીત કરતાં હતાં. જે દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને આરોપી થોડા સમય પહેલાં તરૂણીને ભગવતીપરામાં પોતાના મકાને લઈ આવી બળજબરીથી શરીર સબંધ બાંધ્યો હતો.જે બાદ ફરીવાર પણ આરોપી તરુણીને પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બનાવ અંગે પરિવારને જાણ થતાં તેઓને નીચેથી જમીન સરકી ગઈ હતી અને તુરંત જ પોલીસ મથકે દોડી ગયાં હતાં. જ્યાં ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ.સરવૈયા અને ટીમે તુરંત ગુનો દાખલ કરી આરોપીને પકડવા તજવીજ આદરી હતી.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, ભોગ બનનાર તરુણી પ્રાથમિક સુધીનો અભ્યાસ કરેલ છે અને આરોપી હાલ મજૂરીકામ કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તપાસ યથાવત રાખી છે.