કંઈ પણ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક જાણ કરવા ગઈકાલે રાત્રે જ ડીજીપી ઓફિસેથી આદેશ છૂટ્યા
રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું : તમામ સ્થિતિ પર બાજ નજર
Rajkot,તા.08
પહેલગામ હુમલાના બદલા સમાન ઓપરેશન સિંદૂર હાથ ધરી ભારતીય સેનાએ 150 હરામીઓનો ખાતમો બોલાવી દીધા બાદ રાજ્ય પોલીસવડાની કચેરી ખાતેથી રાજકોટ સહિત તમામ શહેર અને જિલ્લાઓમાં કંઈ પણ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક ડીજીપી ઓફિસને જાણ કરવી તેમજ સઘન ચેકિંગ, પેટ્રોલિંગ હાથ ધરવા માટેના આદેશો કરી દેવામાં આવ્યા છે. જેના પગલે રાજકોટ શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે મોડી રાત્રે ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરી નવ જેટલા સ્થળો પર એર સ્ટ્રાઇક કરી 150 જેટલા હરામીઓને ભો ભેગા કરી દેવામાં આવ્યા છે. જે બાદ બોખલાયેલું પાકિસ્તાન કોઈ છમકલુ કરે તેવી શક્યતા વચ્ચે રાજ્ય પોલીસ વડાની કચેરી ખાતેથી મોડી રાત્રે જ આદેશના ઘોડા છૂટ્યા હતા. પ્રાપ્ત વિગત અનુસાર રાજ્યની તમામ શહેર અને જિલ્લાની પોલીસને એલર્ટ મોડમાં આવી જવા માટે ડીજીપી ઓફિસેથી આદેશ આપી દેવામાં આવ્યા છે. કોઈ પણ વિસ્તારમાં કંઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાઈ આવે તો તાત્કાલિક ડીજીપી ઓફિસને જાણ કરવા સુધીના આદેશો જાહેર કરવામાં આવ્યા હોય તેવું ઉચ્ચ પોલીસ વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે.
ઉચ્ચ સ્તરથી છૂટેલા આદેશને પગલે રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. શહેર અને જિલ્લાના તમામ ખૂણેખૂણા પર નજર રાખવામાં આવી રહી છે. શહેર એસઓજી દ્વારા અલગ અલગ હોટેલમાં ચેકીંગ, વ્હાઇટલ ઇન્સ્ટોલમેન્ટની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પણ સતત મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. તમામ ગતિવિધિઓ ઉપર પોલીસ બાજ નજર રાખી રહી છે. આ પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડે નહી, હરામખાયા લોકો કાકરીચારો કરી પરિસ્થિતિને કાબુ બહાર લઈ જવા રઘવાયા બને તે પૂર્વે જ ડામી દેવા માટે પોલીસની અલગ અલગ ટીમોને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે.
વહીવટી તંત્ર એક્શનમા,પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોકડ્રિલ સંદર્ભે ગઈકાલે જ રાજ્યના તમામ જિલ્લા કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજી જરૂરી સુચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત રાજકોટનું આંતરરાષ્ટ્રીય હીરાસર એરપોર્ટને પણ ત્રણ દિવસ માટે બંધ કરી દેવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. આ સમગ્ર પરિસ્થિતિમાં રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લા કલેકટર પ્રભાવ જોષીએ જણાવ્યું હતું કે રાજકોટમાં મોકડ્રિલ યોજનાર નથી તેમ છતાં પણ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. શહેર અને જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પણ સ્ટેન્ડ બાય છે. સાવચેતી માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પગલાં લેવામાં આવી રહ્યા છે.