તાલુકા પોલીસે રાત્રે વાવડી પાસે બે નબીરાઓને પકડયા બાદ પોલીસ સ્ટેશન લઇ જતા રસ્તામાં પાંચ શખસોએ કાર રોકાવી આચર્યું કૃત્ય: બે ઝડપાયા, ત્રણની શોધખોળ
Rajkot,તા.08
તાલુકા પોલીસ મથકના સ્ટાફે રાત્રિના ચેકિંગ દરમિયાન એક્સેસ પર નીકળેલા બે નશાખોરને ઝડપી લીધા હતા. બાદમાં તેને પોલીસ સ્ટેશન લઈ જતા હતા તે સમયે રસ્તામાં પોલીસની કાર અટકાવી પાંચ શખસોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. જે પૈકી એક શખસે હું ભરત વારસુર છું તું મને ઓળખતો નથી. આ લોકોને જવા દે નહીંતર તું ખોવાઈ જઈશ. ગોત્યો નહીં જડે તેવી ધમકી આપી હતી. દરમિયાન અન્ય પોલીસ સ્ટાફ આવી જતા આ પાંચ પૈકી ત્રણ શખસો નાસી ગયા હતા. જ્યારે બેને ઝડપી લીધા હતા. દારૂ પી નીકળેલા બે શખ્સો સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ તથા અન્ય પાંચ શખસો સામે પોલીસ ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ત્રણ આરોપીઓને ઝડપી લેવા પોલીસ એ શોધખોળ શરૂ કરી છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફ રાત્રિના ચેકિંગની કામગીરી કરતા હતા. દરમિયાન વાવડી પાસેથી એક એક્સેસ ચાલક સર્પાકાર રીતે વાહન ચલાવી નીકળતા પોલીસે તેને અટકાવી ચાલકની પૂછતાછ કરતા તેનું નામ બાશીત અશરફભાઈ મોરવાડિયા અને તેની પાછળ બેઠેલ શખસનું નામ કટી કેશુભાઈ બગડા હોવાનું જણાવ્યું હતું બંનેએ નશો કર્યો હોય જેથી તેને પોલીસમેને પોતાની કારમાં બેસાડી રાધેશ્યામ ગૌશાળા થી મટુકી રેસ્ટોરન્ટ તરફ જતા રોડ પર પુનિતનગર પાસેથી પોલીસ સ્ટેશન જવા માટે નીકળતા થોડી દૂર જ કાર પહોંચી હતી ત્યાં બે ટુ વ્હીલર કારની આગળ આવી વાહન આડા રાખી દેતા પોલીસમેને કારની બ્રેક મારી હતી. કારનો દરવાજો ખેંચી કોન્સ્ટેબલને કારમાંથી નીચે ઉતારી બોલાચાલી કરી એક શખસ કહેવા લાગ્યો હતો કે, મારા માણસોને ક્યાં લઈ જાય છે તું મને ઓળખશ હું ભરત વારસુર છું તું મને ઓળખતો નથી હું હજુ જેલમાંથી છૂટ્યો છું આ લોકોને જવા દે નહીંતર તું ખોવાઈ જઈશ ગોત્યો નહીં જડે તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો.બાદમાં ઝપાઝપી કરી આ અન્ય શખસો પણ ગાળો દેવા લાગ્યા હતા અને કારની ચાવી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તમામને પોલીસ સ્ટેશન લાવતા ઝડપાયેલા આ બે શખસોના નામ નિલેશ ચંદુ મકવાણા (રહે. આંબેડકરનગર, સ્વામિનારાયણ હોસ્પિટલ સામે સરધાર) અને મોહિત જયંતીભાઈ ડાંગર (ઉ.વ 30 રહે. આંબેડકરનગર, એસટી વર્કશોપ પાછળ, રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે દારૂ પી એક્સેસ લઈને નીકળેલા બાસીત અને કટી બગડા સામે પ્રોહિબિશન એક્ટનો જ્યારે અન્ય સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ભરત વારસુર સહિત ત્રણ શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.