Surendranagar, તા.08
સુરેન્દ્રનગર જિલ્લામાં મારામારી અને લૂંટ સહિતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે વઢવાણ રોડ પર આવેલ એક હોટલ પાછળ રહેતી મહિલાને ચાર જેટલા શખસોએ છરી બતાવી અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત મહિલા પાસેથી 9 લાખ રૂપિયાની રોકડ લઈને નાસી છૂટ્યા હતા. આ અંગે મહિલાએ બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
મળતી માહિતી અનુસાર, વઢવાણ રોડ પર આવેલ હરેકૃષ્ણ હોટલ પાછળના વિસ્તારમાં રહેતી 58 વર્ષની મહિલાના ઘેર કોઈ ધાર્મિક જગ્યાના સાધુ બપોરના સમયે જમવા આવ્યા હતા. ત્યારબાદ અન્ય ચાર શખસો પણ વાહનમાં આવી મહિલાના ઘરમાં પ્રવેશ કર્યો હતો. જે પૈકી એક શખસે વીડિયો ઉતારીને છરી બતાવી વીડિયોને વાઈરલ કરવાની ધમકી આપી હતી. તેણે મહિલા પાસે રૂપિયા માંગતા મહિલાએ ઘરમાં રહેલ રોકડ 2.45 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ ચારેય શખસોએ વધુ રૂપિયાની માંગ કરતા મહિલાએ ફીક્સ ડિપોઝીટ (એફડી) હોવાનું જણાવતા મહિલાને ટુ વ્હીલર પર બેસાડી બેન્કે લઈ જઈ 7 લાખ રૂપિયાની એફડી તોડાવી તે રકમ પણ પડાવી લીધી હતી.આ શખસોએ મહિલાને આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે ભોગ બનનાર મહિલાએ ચાર શખસો સામે લૂંટ તેમજ જાનથી મારી નાંખવાની ધમકી અંગે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.