Mumbai,તા.08
કરણ જોહર બોલિવૂડનો જાણીતો ફિલ્મમેકર છે. તેણે પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. એક સમય પર તેની બોડી, અવાજ, ચાલવાની સ્ટાઈલ અને અન્ય વસ્તુઓની મજા ઉડાવવામાં આવતી હતી. હવે કરણ જોહરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, ‘મારા પેરેન્ટ્સે મને સેફ સ્પેસ આપી.’ એટલું જ નહીં કરણે પોતાનો અવાજ બદલવા માટે બે વર્ષ સુધી ટ્રેનિંગ પણ લીધી હતી.
કરણ જોહરે કહ્યું કે, ‘મેં હંમેશા દુનિયા અને તેઓ મારા વિશે શું કહે છે તેનો સામનો કર્યો છે.’ મને યાદ છે કે હું એક પબ્લિક સ્પીકિંગ ક્લાસ માટે ગયો હતો. જે લોકો મને શીખવી રહ્યા હતા તેમણે ક્લાસ બાદ મને કહ્યું હતું કે, દુનિયામાં, સમાજમાં તારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે તારો અવાજ છોકરીઓ જેવો છે. તેમાં તું બેરોટોન લાવ. તેના માટે અમે તને વોઈસ એક્સરસાઈઝ કરાવીશું.
કરણે જણાવ્યું કે, ‘હું આ ક્લાસિસ વિશે મારા પિતા યશ જોહરને ખોટું બોલ્યો હતો, કારણ કે, હું તેને લઈને શરમ અનુભવતો હતો. મેં બે વર્ષ સુધી તે ક્લાસિસ કર્યા જેથી હું મારા અવાજમાં બેરીટોન લાવી શકું, જેથી મારો અવાજ મર્દો જેવો બની જાય. મેં મારા પિતાને કહ્યું કે, હું કોમ્પ્યુટર ક્લાસમાં જાઉં છું કારણ કે મને તેમને કહેવામાં શરમ આવતી હતી કે હું આ કરી રહ્યો છું.’ તેમણે મને માત્ર બેરીટોન જ નહીં, પણ ચાલવાનું પણ શીખવ્યું. મને મેસ્ક્યુલિન બનવાનું શીખવ્યું. આજે હું ક્યારેય કોઈને આ સલાહ ન આપું.’ હું કહીશ કે જો તમે એક તરફ ચાલો છો તો ચાલો. જેવી રીતે વાત કરો છો એવી રીતે જ કરો. ખુદને અન્ય જેવા બનાવવાની કોઈ જરૂર નથી.’