Rajkot,તા.10
૧૦ વર્ષના સમયમા આવક કરતા વધુ રૂા.૭૭ લાખ સુધી મિલ્કતો મળી આવતા.એ.સી.બી.ના કેસમાં અપ્રમાણસરનો ગુનો નોંધયો
મહાનગરપાલિકામાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા અજયભાઈ વેગડની અપ્રમાણસર મિલ્કત અંગેના ભ્રષ્ટાચારના કેસમાં આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. આ કેસની હકિકત મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા અજયભાઈ મનસુખભાઈ વેગડ (ઉ.વ.૫૨) વિરૂધ્ધ માહિતીઓના આધારે એ.સી.બી. પોલીસે ખાનગી રાહે તપાસ કરતા જણાયેલ હતુ કે, છેલ્લા ૧૦ વર્ષના સમયગાળામાં તેઓની પગારની આવક કરતા તેઓએ વસાવેલ મિલ્કતો રૂા.૭૭ લાખ સુધી અપ્રમાણસર છે. આ અંગે તેમના તથા તેમના પત્નિ અને પુત્રીની અસ્કયામતો તથા બેંક બેલેન્સ અને ફીકસ ડીપોઝીટો ધ્યાનમાં લેવામાં આવેલ હતી. એ.સી.બી.ના કેસમાં અપ્રમાણસર મિલ્કતનો આંકડો કાઢવા માટે “એ.બી.સી.ડી.” ફોમ્યુલા બનાવવામાં આવેલ છે, જે મુજબ ૧૦ વર્ષના ટારગેટ પિરીયડમાં સરકારી કર્મચારીની ૧૦ વર્ષની આવક અને ૧૦ વર્ષ દરમ્યાન તેઓએ ખરીદ કરેલ મિલ્કત વચ્ચેનો તફાવત કાઢવામાં આવે છે. આ પ્રોસેસ દરમ્યાન તેમના કુટુંબીઓના નામે વસાવેલ મિલ્કત અને તેઓની સ્વતંત્ર આવક પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અજયભાઈ વેગડના વર્ષ-૨૦૧૪ થી ૨૦૨૪ સુધીની આવક અને તેઓએ વસાવેલ મિલ્કતમાં રૂા.૭૭ લાખનો તફાવત જણાય આવ્યો હતો. તેઓના જણાવ્યા પ્રમાણે તેમના પત્નિ અને તેમની પુત્રી ઈમિટેશનનો ધંધો કરી દર વર્ષે લાખોની આવક મેળવે છે. આ અંગે પત્નિ અને પુત્રીની પુછપરછ કરતા અને તેઓના નિવેદનો નોંધતા તપાસનીશ અમલદારને જણાયેલ કે, ઈમીટેશન જવેલરી કોની પાસેથી ખરીદેલ અને અને કોને વેચેલ છે તે અંગેના કોઈ જ નામ કે સરનામા તેઓ જણાવી શકેલ નહી. આ કારણસર પત્નિ અને પુત્રીની આવકને કાયદા મુજબ અજયભાઈ વેગડની જ આવક ગણવામાં આવી હતી. અપ્રમાણસર મિલ્કત અંગેના ભ્રષ્ટાચારના કેસમાં નાયબ કાર્યપાલક ઈજનેર અજયભાઈ વેગડે પોલીસ ધરપકડની દહેશતે કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલો જતા બંને પક્ષની રજૂઆતો બાદ સરકાર પક્ષે કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ ખાસ અદાલતના જજ વી. એ. રાણાએ નાયબ કાર્યપાલક ઈજનેર અજયભાઈ વેગડની આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.