વિંછીયા પંથકમાં કોડાઈન સીરપ સાથે ઝડપાયેલા પ્રકાશ સાકળિયા પેડલરની પૂછપરછ નામ ખુલ્યું હતું
Rajkot,તા.10
વિંછીયા પંથકમાંથી ઝડપાયેલા નશાકારક કોડાઇન સીરપના જથ્થાના પ્રકરણમાં પકડાયેલા સપ્લાયર આરોપી હિતેષ ધીરુભાઈ ઓળકીયાની ચાર્જશીટ બાદની બીજી રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી છે.આ કેસની હકિકત મુજબ વિંછીયા પંથકમાં 2024ના ફેબ્રુઆરી મહિનામાં નશાકારક કોડાઈન સીરપ સાથે પ્રકાશ સાકળિયા નામનો પેડલર ઝડપાઈ ગયો હતો. તેની સામે એનડીપીએસ એક્ટની કલમ ૮(સી) તથા 21(સી) મુજબ ગુનો નોંધાયો હતો. તેની પૂછપરછમાં સહ-આરોપી તરીકે નિતેષ તથા હાલના આરોપી હિતેષ ધીરુભાઈ ઓળકીયા (રહે. મોટા કંધેવાડીયા, તા. વિંછીયા)નું નામ ખુલતા બંનેને અટકમાં લઈ ધોરણસરની કાર્યવાહી બાદ જેલહવાલે કરાયા હતા. દરમિયાન આરોપી હિતેશ ધીરુભાઈ ઓળકીયાએ સ્પેશિયલ કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર છૂટવા અરજી કરી હતી.આ કામે સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહે હાજર થઈને જામીન અરજી રદ કરવા ભારપૂર્વક દલીલો કરી હતી, જેમાં હિતેષ ઓળકીયા આ ગુન્હાના કામમાં મુખ્ય નશાકારક કોડાઈન સિરપની બોટલોનો મુખ્ય સપ્લાયર છે, આરોપી હિતેશ સામે આટકોટ પોલીસ સ્ટેશનમાં પણ નશાકારક કોડાઈન સીરપની બોટલોનું વેચાણ કરવાનો ગુનો નોંધાયેલો છે, ઉપરાંત આ આરોપીએ અગાઉ ચાર્જશીટ બાદ સ્પેશિયલ કોર્ટ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી મૂકેલી રેગ્યુલર જામીન અરજીઓ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને રદ કરવામાં આવી હતી. જેથી આરોપીને રેગ્યુલર જામીન ઉપર છોડવો જોઈએ નહીં. જે દલીલો ધ્યાને લઈને એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા એનડીપીએસ આરોપી હિતેષ ધીરુભાઈ ઓળકીયાની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરેલ હતી. આ કામે સરકાર તરફે સરકારી વકિલ પરાગ એન.શાહ રોકાયા હતા.