Ahmedabad,તા.૧૦
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. હમણાં હમણાં આ વિભાગોમાં એન્જિનિયરીંગ ખાતાનું નામ મોખરે રહે છે. હવે ્સ્ સળીયાના ઉત્પાદકો સહિત જુદી જુદી કંપનીઓને નિયમ ના હોવા છત્તા રજીસ્ટ્રેશન આપવાનું કૌભાંડ રોડ-બ્રિજ ખાતામાં ફૂલ્યું ફાલ્યું છે. આવા આઉટવર્ડ નંબર વગરના સર્ટીફિકેટ સોશિયલ મીડિયામાં વહેતા થયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા ખાતાઓમાં ભ્રષ્ટાચારે ભરડો લીધો છે. એમાં પણ એન્જિનિયરીંગ, ટીડીઓ, એસ્ટેટ, ટેક્સ, હેલ્થ, ગુમાસ્તા ધારા સહિતના અનેક ખાતાઓમાં હપ્તાખોરી ચાલે છે. હાલ નવતર કૌભાંડ સપાટી પર આવ્યું છે, તે છે એન્જિનિયરીંગ ખાતાનું. સિટી એન્જિનિયરીંગ ખાતાના એડિ. એન્જિનિયર જીજ્ઞેશ શાહની કહેવાતી સહીથી ટીએમટી સળીયાના ઉત્પાદકો સહિતના કેટલાકને રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ ઈશ્યુ થઈ ગયા છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં કોઈપણ કંપનીને રજીસ્ટર્ડ કરવાનો કોઈ નિયમ કે જોગાવઈ જ નથી.
આમ છત્તા મ્યુનિ.ના લોગોવાળા આવા રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ કઈ રીતે વહેતા થયા તે પ્રશ્ન બહુ મોટો છે. આ અંગે સિટી એન્જિનિયર હરપાલસિંહ ઝાલાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આવા કેટલાક સર્ટીફિકેટ મારી પાસે પણ આવ્યા છે. એક અરજી જેવું પણ કંઈક આવ્યું છે. આ અંગે મેં ખાતાકિય ઈન્ક્વાયરી ચાલુ કરાવી છે અને વિજીલન્સમાં પણ સોંપાશે જ. આ અંગે અમને પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગેલેન્ટ ઈસ્પાત લી. અને જર્મન ગ્રીન સ્ટીલ એન્ડ પાવર લી.નામની કંપનીઓને ઈશ્યુ થયેલા રજીસ્ટ્રેશન લેટર સોશિયલ મીડિયામાં હાલ ફરી રહ્યા છે. જો નિયમ જ નથી તો આ ઈશ્યુ કઈ રીતે થયા તે સવાલ છે. આવા બીજા પણ કેટલાક થયેલા છે. જેમાં નાણાંકીય વ્યવહારો મોટા પ્રમાણમાં થયા હોવાની ચર્ચા જોરશોરથી એન્જિનિયરીંગ ખાતામાં ચાલી રહી છે. આશ્ચર્યની વાત તો એ પણ છે કે આ કાગળો ઉપર મ્યુનિ.ના આઉટવર્ડ નંબરો પણ નખાયા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ ચાંદલોડિયાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના નહી ફાળવાયેલા આવાસોની બારોબાર નાણાં લઈ બહારના તત્વોએ ફાળવણી કરી દીધી હતી. આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. વિપુલભાઈ, સૈયદભાઈ,શુકલભાઈના નામો આવ્યા હતા.જેમાંની એક વ્યક્તિ તો મ્યુનિ.ના બિલ્ડીંગમાં પાંચમા માળે બેઠી રહેતી હતી. લલ્લુ બિહારી ચંડોળા તળાવની જમીનનો બારોબાર વહીવટ કરી તગડી રકમ કમાયો હતો. તેમાં પણ એસ્ટેટના કર્મચારીઓના સહયોગ વગર શક્ય જ નથી. તળાવની જમીન કલેક્ટરની ગણાય પણ તેના વિકાસની કામગીરી માટે નોડલ એજન્સી તરીકે મ્યુનિ.ને જવાબદારી સોંપાઈ હતી. હાટકેશ્વર બ્રિજનો ભ્રષ્ટાચાર તો જગજાહેર છે. આમ છત્તા ભ્રષ્ટાચારની સાંકળમાં નવી નવી કડીઓ ઉમેરાતી રહે છે. આ રજીસ્ટ્રેશન તેની નવતર કડી છે. હવે જોવાનું એ રહે છે કે તટસ્થ તપાસ થાય છે કે ભીનું સંકેલાઈ જાય છે. ખાતાના ભળેલાને કોણ બચાવવા દોડે છે, તે જોવાનું રહે છે. અધિકારીઓ કેટલી કડકાઈથી વર્તે છે તે જોવાનું રહે છે.