Rajkot,તા.12
રાજકોટમાં લોન રિકવરી એજન્ટ ઉપર જીવલેણ હુમલાના ગુનામાં દસ વર્ષની સજાના હુકમ સામે હાઇકોર્ટમાં કરેલી અપીલ સાથે કરાયેલી જામીન અરજી રદ થતા આરોપીએ સુપ્રીમ કોર્ટમાં કરેલી સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ (સજા મોકુફી) અરજી દાખલ કરી સુપ્રીમે આરોપીને જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ કેપિટલ ફાઈનાન્સ કંપનીમાં ટુ વ્હીલરની લોન રિકવરી એજન્ટ તરીકેનું કામ કરતા ફરીયાદી મીત ભરતભાઈ સરવૈયા અને તેનો મિત્ર કલ્પેશ રામભાઈ ધ્રાંગીયા બંને ગોંડલ મુકામે રિકવરી માટે ગયા હતા. ત્યારે આરોપી ધર્મેશ ઉર્ફે હકો સુરેશભાઈ રજપુતે ફોન કરી “તારા પૈસા તું રાજકોટ ત્રિશુલ ચોક પાસે રાજદીપ પાસે આવીને લઈ જા” તેવું કહેતા મિત સરવૈયા અને તેનો મિત્ર કલ્પેશ રૂપિયા લેવા માટે ગયા હતા. ત્યારે ધર્મેશ ઉર્ફે હકો સુરેશભાઈ રજપુત, દીકુ સુરેશભાઈ રજપુત અને બાઠીયો કોળી સહિત બે અજાણ્યા શખ્સોએ બંને મિત્ર ઉપર ધોકા અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જે અંગે મિત સરવૈયાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ચાલી જતા સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને દસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જે હુકમ સામે આરોપી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી જામીન અરજી કરવામાં આવી હતી. જે હાઈકોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવેલી હતી. ત્યારબાદ આરોપી દ્વારા હાઇકોર્ટના હુકમથી નારાજ થઈને સુપ્રીમ કોર્ટમાં સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ દાખલ કરવામાં આવી હતી. જે સુપ્રીમ કોર્ટમાં ડબલ જજની બેન્ચમાં ચાલવા પર આવતા જજ પંકજ મિથલ અને એસ.વી.એન.ભાટ્ટી દ્વારા આરોપીના બચાવ પક્ષના એડવોકેટની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને જામીન મુક્ત કરતો હુકમ ફરમાવવામાં આવ્યો હતો.
આ કેસમાં આરોપી વતી સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ પ્રદ્યુમન ગોહીલ, તરુણાસિંઘ ગોહીલ, વિજયરાજસિંહ એસ.જાડેજા, અલાપ્તી સાહિત્ય ક્રિષ્ના, હેતવી કેતન પટેલ, રૂષભ એન. કાપડીયા, તાનીયા બંસલ, ગોંડલના હર્ષિદાબેન કે. ચનિયારા અને કલ્પેશભાઈ એ. ચનિયારા રોકાયા હતા.